PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને હજીરા જતા પહેલા ગાંધીનગર સ્થિત તેમનાં માતા હીરાબાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા .

ગુરુવારે મોદીએ ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો. મોદીએ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું. ગઈ કાલે તેઓએ નવમી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

મોદીનાં માતા વૃદાંવન બંગલો વિભાગ ૨ રાયસણ ગાંધીનગર ખાતે રહે છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે મોદી ગુજરાત મુલાકાત વખતે તેમના માતાના મળીને તેમના ખબર અંતર પૂછતા હોય છે. બે દિવસના વાઇબ્રન્ટ સમિટના વ્યસ્ત શેડ્યૂલના કારણે તેઓ માતાને મળી શક્યા ન હતા એટલે આજે સવારે તેઓ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.

પીએમ મોદીના ભાઈ ગાંધીનગરમાં જ રહે છે. મોદીનાં માતા હીરાબા મોદીના ભાઈ સાથે અહીં રહે છે. વૃંદાવન બંગલોની આસપાસ તાજેતરમાં જ સફાઈ કરવામાં આવી હતી.

ગુરુવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે મોદી ગમે તે ઘડીએ તેમનાં માતાને મળવા માટે વૃંદાવન બંગલોની મુલાકાત લેશે.

You might also like