વડા પ્રધાન મોદીએ ‘સૌની યોજના’નું લોકાર્પણ કર્યું

અમદાવાદ: ધીમા વરસાદી માહોલ વચ્ચે આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પહેલાં તરતી મૂકેલી ‘સૌની યોજના’નો આજે પ્રારંભ કરાવ્યો હતો. સ્વપ્ન સમી નર્મદાના નીરની આ યોજનાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડધરી પાસેના આજી ડેમ-૩ ખાતે પહોંચીને સ્વિચ દબાવી લોકાર્પણ કર્યું હતું. જેનાથી આજથી અાજી-૩માં નર્મદાનાં નીર ભરાવવાનું શરૂ થયું છે. ઉપરાંત નર્મદાના પાણીથી ૧૧પ ડેમ ભરવાના પહેલા તબક્કાની શરૂઆત થઇ છે.

વડા પ્રધાન મોદી આજે સવારે જામનગર એરપોર્ટ ખાતે ૧૦.૪૦ વાગે આવી પહોંચ્યા હતા. ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટરનું ઉડાન સલામત ન હોવાથી તેઓ સડક માર્ગે આજી ડેમ-૩ના લોકાર્પણ અર્થે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ કાર દ્વારા વિશાળ જનમેદનીને સંબોધન કરવા સણોસરા ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ જોડાયા હતા.

વરસાદી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના ૭ વાગ્યાથી લોકો મોદીને સાંભળવા-સભા સ્થળે આવવાના શરૂ થઇ ગયા હતા. ૧ લાખથી વધુ જનમેદની સભા સ્થળે રાજકોટ-જામનગર અને આસપાસના જિલ્લાઓમાંથી અેકઠી થઇ હતી.

જર્મન ટેકનોલોજીથી ડોમ બનાવાયો
મોદીએ જે સ્થળે સભા સંબોધન કર્યું હતું તે વિશાળ ડોમ જર્મન ટેકનોલોજીથી રેઇન અને ફાયરપ્રૂફ બનાવાયો હતો. સભા સ્થળેથી દૂર હાઇવેની નજીકના પાંચ સ્થળે વીઆઇપી અને વીવીઆઇપી પાર્કિંગ ઊભા કરાયા હતા. વિશાળ ડોમની સલામતી વ્યવસ્થાનો હવાલો એનએસજીએ સંભાળી લીધો હતો.

મોદીને આવકારતાં વિશાળ હોર્ડિંગ્સ લગાવાયાં
રાજકોટ-જામનગર હાઇવેની બંને તરફ વડા પ્રધાન મોદીને આવકારવા વિશાળ હોર્ડિંગ્સ લગાવાયાં હતા. આ હાઇવે પર હેવી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતા. ૬ સ્ળ્ળે ચેકપોસ્ટ દ્વારા વાહનના નંબર, વ્યક્તિનું નામ, ઓળખ, મોબાઇલ નંબરની નોંધ થઇ રહી હતી. ચકલુંય ન ફરકી શકે તેવા જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ૩૦૦૦નું પોલીસદળ અને ૧પ૦૦થી વધુ રેવન્યુ સ્ટાફ કાર્યરત છે.

પ૦ હજારથી વધુ ફૂડ પેકેટ બનાવાયાં છે. એસટીની ૭૦૦ તેમજ ૧ હજાર ખાનગી બસ સહિત અન્ય વાહનો ભાડે તથા રિકવિઝિટ કરાયાં છે. ડોમની અંદર સતત ફાયરપ્રૂફ સ્પ્રેનો છંટકાવ થઇ રહ્યો છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર જાહેરસભાને સંબોધવાના હોવાથી લોકો, કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જશવંતસિંહ ભાભોર, પ્રદેશ પક્ષ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત પ્રધાનમંડળના તમામ સભ્યો સવારના ૧૦ વાગ્યાથી સભા સ્થળે હાજર હતા. ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, સરપંચ સહિત મોટી સંખ્યામાં પક્ષ્ના આગેવાનો સભા સ્થળે સવારથી હાજર રહ્યા હતા. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે અાજે પીએમ મોદીને અાઠ સવાલો પૂછ્યા હતા કે જૂન-૨૦૧૬માં સૌની યોજના ૧૧૫ ડેમ સાથે જોડાવવાની હતી તેનું શું થયું? તેમજ નર્મદાની કેનાલો વર્ષો સુધી તૂટે નહીં તેવી ડિઝાઈન કરાઈ હોવા છતાં કેનાલો વારંવાર શા માટે તૂટે છે.

૧૦.રર લાખ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાનાં ૧૧પ જળાશયોમાં પાણી પહોંચાડવા માટે લિંક યોજના હેઠળ રૂ.૧૧,૦૦૦ કરોડનો ખર્ચ થશે. લિંક-૧ અંતર્ગત મોરબી મચ્છુ-રથી જામનગર જિલ્લાના સાની સુ‌ધીની લિંક યોજના કે જેના દ્વારા રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કુલ ૩૦ જળાશયોમાં પાણી પહોંચશે. લિંક-ર હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો-ર ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની લિંક યોજનાથી ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના ૧૭ જળાશયોમાં પાણી ભરાશે. લિંક-૩ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ-૧ સુધીની લિંકથી રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરના ર૮ જળાશયોમાં પાણી ભરાશે. લિંક-૪ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો-ર ડેમથી જૂનાગઢ જિલ્લાના હરણ-ર સુધીની લિંકથી રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, બોટાદ, અમરેલી જિલ્લાના ૪૦ જળાશયોમાં પાણી ભરાશે.ચોમાસામાં નકામા વહી જતાં કરોડો લિટર પાણીનો ઉપયોગ લિંક કેનાલ દ્વારા જળાશયો ભરવા માટે કરાશે. સૌરાષ્ટ્રના કુલ ૧૧ જિલ્લાના ૧૧પ જળાશયો સુધી પાણી પહોંચશે. જેનાથી ૧૦.રર લાખ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.

પાટીદાર અાગેવાનોની પોલીસે અટકાયત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જામનગર નજીક સણોસરા ગામ પાસે ‘સૌની યોજના’નું લોકાર્પણ કરવાના હોઇ પાટીદાર નેતાઓ દ્વારા વડા પ્રધાન પાસે જઇ જવાબ માગવાની જાહેરાત કરાઇ હતી. જેના પગલે પાટીદાર નેતાઓ કાર્યક્રમમાં પહોંચે તે પહેલાં ગઇ રાતથી પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના પાસના નેતાઓ તેમજ અન્ય પાટીદાર નેતાઓને નજરકેદ તથા અટકાયત કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાને રાજકોટમાં ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણીને ભાવનગરમાં નજરકેદ કરાયા હતા. જ્યારે રેશમા પટેલને પણ નજરકેદ કરાયાં હોવાનું જાણવા મળે છે.

ટ્વિટર પર અહમદ પટેલનો કટાક્ષ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની સૌરાષ્ટ્રની મુલાકાત પહેલાં ટ્વિટ કર્યું હતું કે, સૌની યોજનાથી ગુજરાતની પ્રજાને ખરા અર્થમાં લાભ મળશે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે પણ સામે ટ્વિટ કર્યું હતું કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે છેલ્લાં બે વર્ષ દરમ્યાન ૪ર દેશની મુલાકાત પછી પીએમને ગુજરાત માટે સમય મળ્યો તે માટે આભાર.

You might also like