Modi Govt વિશ્વની ત્રીજા નંબરની સૌથી ભરોસાપાત્ર સરકાર

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારના છેલ્લા સાડા ત્રણ વર્ષના કાર્યકાળથી ભારતની પ્રજા ખુશ છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સર્વે અનુસાર વિશ્વમાં પોતાની પ્રજાનો ભરોસો અને વિશ્વાસ જીતવાવાળી સરકારોમાં ભારતની નરેન્દ્ર મોદી સરકાર ત્રીજા સ્થાને છે. આ શ્રેણીમાં પ્રથમ સ્થાને સ્વિટ્ઝર્લેન્ડની સરકાર છે અને બીજા સ્થાને ઈન્ડોનેશિયાની સરકાર છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સર્વેમાં સ્વિટ્ઝર્લેન્ડની સરકાર પર ૮૨ ટકા જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ઈન્ડોનેશિયાની સરકાર પર પણ ૮૨ ટકા પ્રજાએ વિશ્વાસ દર્શાવ્યો છે. ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર પર દેશની ૭૩ ટકા વસ્તીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતની ચૂંટણી દરમિયાન નોટબંધી અને જીએસટીને લઈને વિરોધ પક્ષના આક્ષેપોનો સામનો કરી રહેલ મોદી સરકાર માટે આ સર્વે ખુશખબર લઈને આવ્યો છે. સર્વે અનુસાર દેશની ત્રણ ચતુર્થાંશ વસ્તીને પીએમ મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે અને જનતા તેમના દ્વારા લેવામાં આવેલ તમામ નિર્ણયના સમર્થનમાં છે.

આ અગાઉ શુક્રવારે અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીની ભારતીય ઈકોનોમી પર સકારાત્મક અસર પડી છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા ભારતનું રેટિંગ BAA3થી વધારીને BAA2 કર્યું હતું. મૂડીઝ અને હવે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આ સર્વે બાદ એવું કહી શકાય કે ત્રણ વર્ષ થવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો અકબંધ છે અને દેશમાં મોદી લહેર પણ અકબંધ છે.

You might also like