વિદેશીઓને યોગ કેમ્પ અને યોગ સારવાર માટે શોર્ટ ટર્મ વિઝા આપશે મોદી સરકાર

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર યોગમાં રસ ધરાવનાર દુનિયાભરના વિદેશી નાગરિકો માટે નવી સુવિધા લઇને આવી છે. આ યોજના હેઠળ સરકારે શોર્ટ ટર્મ યોગ કેમ્પ એટલે કે ટૂંકાગાળાના યોગ પાઠ્યક્રમ માટે આવનાર વિદેશી નાગરિકોને પર્યટન અને ઇ-પર્યટન વીઝા આપવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલયે ટૂંકાગાળા યોગ પાઠ્યક્રમ સાથે જ ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં ટૂંકાગાળાની સારવારની સુવિધાને તે શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના હેઠળ વિદેશી નાગરિકોને ઇ-પર્યટન વીઝા આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે યોગમાં ખૂબ રસ ધરાવે છે. યોગ દિવસ નિમિત્તે તેમણે પોતે રાજપથ પર હજારો લોકોની સાથે યોગાભ્યાસ કર્યો હતો. ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે 21 જૂનના રોજ યોગ દિવસમાં ભાગ લેવા માટે આવનાર વિદેશીઓને વીઝામાં પ્રાથમિકતા આપવામાં આવે.

અત્યાર સુધી ફક્ત ભારતની હોસ્પિટલોમાં સારવાર કરાવવા માટે શોર્ટ ટર્મ વિઝા આપવામાં આવતા હતા. જ્યારે હવે યોગના માધ્યમથી સારવાર કરાવવા માટે ટૂંકાગાળાના વીઝા આપવામાં આવશે. તેના માટે 150 દેશોની સાથે ચાલી રહેલા ઇ-વીઝાના અરજીમાં યોગની પણ કોલમ એડ કરવામાં આવી છે.

You might also like