મોદી સરકાર બે મેગા રૂરલ સ્કીમોની જાહેરાત કરશે

નવી દિલ્હી : બજેટ પૂર્વે નરેન્દ્ર મોદી સરકાર ગ્રામીણ ક્ષેત્રો માટે બે મોટી યોજનાઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જયાં આ મહિનાના અંત સુધીમાં દેશભરમાં મોદીની ચાર કિસાન રેલીઓ યોજાવાની છે તો સરકાર પોતાની અર્બન મિશનનું એલાન કરી ગ્રામીણ ગરીબો માટે તમામને આવાસ યોજનાને અંતિમરૂપ આપશે. હાલમાં જ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાનૂન (મનરેગા)નો કાયાકલ્પ કરવાને લઇને પોતાની પીઠ થપથપાવ્યા બાદ સરકાર આ બંને દાવ ચલાવવા જઇ રહી છે.

જેનો હેતુ કુશળ ગ્રામીણ યુવાનો અને અકુશળ ગ્રામીણ ગરીબો વચ્ચે લોકપ્રિય બનવાનું છે. અર્બન મિશન અને ગ્રામીણ ક્ષેત્રોમાં તમામને આવાસ યોજનાઓ માટે આ વર્ષના બજેટમાં મોટી ફાળવણી થવાની શકયતા છે.અર્બન મિશન યોજના ર૧ ફેબ્રુઆરીએ રજૂ થવાની છે. આ માટે સરકારે રપ,૦૦૦થી પ૦,૦૦૦ના વસ્તીવાળા દેશના વિવિધ વિસ્તારોના ર૦ ગામના ૩૦૦ કલ્સ્ટર એટલે કે સંકુલ નક્કી કર્યાં છે.

આ અર્બન કેન્દ્રોને એવા આર્થિક કેન્દ્રોના સ્વરૂપમાં વિકસિત કરવામાં આવશે જયાં આસપાસના કુશળ ગ્રામીણ યુવાનોને રોજગાર મળી શકશે. સરકાર માર્ગ, વિજળી અને બ્રોડબેન્ડ કનેકશન જેવી સુવિધાઓ માટે પણ યોજના તૈયાર કરશે.ગ્રામીણ ગરીબો માટે તમામને આવાસ યોજના ઘણી મહત્વાકાંક્ષી છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે, ર૦રર સુધીમાં તમામને આવાસ અપાશે. શહેરી વિસ્તારોમાં તમામને આવાસ યોજના ચાલુ થઇ છે પરંતુ લગભગ ર.૯પ કરોડ ગ્રામીણ પરિવારો માટે આવી યોજના ત્રણ મહિનાથી ટળી રહી છે.

હવે મોદીએ આ યોજના અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. તેમણે આ યોજના માટે ૧૧ વરિષ્ઠ પ્રધાનોની ટીમ બનાવી છે જે એક રિપોર્ટ તૈયાર કરશે અને તેના રિપોર્ટના આધારે કેબિનેટ નોટ તૈયાર કરાશે અને પછી મંત્રીમંડળની મંજૂરી માટે મોકલાશે.ગ્રામીણ વિકાસ મંત્રી ચૌધરી વિરેન્દ્રસિંહે જણાવ્યં છે કે, અમને આશા છે કે, બજેટમાં સામાજિક ક્ષેત્રે જોર રહેશે. સરકાર સામાજિક અને કૃષિને પ્રાથમિકતા આપશે.

મંત્રાલયે એવો પણ પ્રસ્તાવ રાખ્યો છે કે, ગ્રામીણ આવાસ યોજનામાં એવા લોકોને પણ સામેલ કરવામાં આવે કે જે સામાજિક, આર્થિક જનગણના આધાર પર તેના દાયરામાં ન આવતા હોય પરંતુ તેઓ પોતાના માટે ઘર ઇચ્છતા હોય. આ માટે કેન્દ્ર સરકાર પ્રત્યેક જિલ્લામાં ગ્રામીણોની એક અપીલિય પંચાયત બનાવવા જઇ રહી છે. જે લોકોને લાગે છે કે, તેમને આ યોજનાનો લાભ મળવો જોઇએ પરંતુ તેમને સામેલ કરવામાં નથી આવ્યા તેઓ તેમાં અપીલ કરી શકશે.

અપીલ અને તેમની જરૂરિયાતના આધાર પર નક્કી થશે કે, કોને ઘર ઉપલબ્ધ કરાવવું જોઇએ. પછી ભલે તેને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યા ન હોય. પહેલેથી ચાલી રહેલી ઈન્દિરા આવાસ યોજનાને તમામને આવાસ યોજનામાં સમાવી લેવાશે.

You might also like