મોદી સરકારે વચન પૂરાં કર્યાંનું સાબિત કરનારને એક લાખનું ઈનામ

અલ્હાબાદ: કેન્દ્રની મોદી સરકારનાં બે વર્ષ પૂરાં થવા નિમિત્તે અલ્હાબાદમાં કોંગ્રેસના કાર્યકરોએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ અેક એનોખા પ્રકારનું પોસ્ટર બહાર પાડી જણાવ્યું છે કે સરકારે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જો કોઈ એવું સાબિત કરી બતાવશે કે સરકારે એકાદ-બે વચન પૂરાં કર્યાં છે તો તેને એક લાખનું ઈનામ આપવામાં આવશે.

કોંગ્રેસ તરફથી બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારનાં બે વર્ષ પૂરાં થઈ ગયાં છે, પરંતુ સરકારે જનતાને આપેલા વાયદા પૂરા કર્યા નથી. પોસ્ટરમાં અેમ જણાવવામાં આવ્યું છે કે જો કોઈને અેમ લાગે કે સરકારે તેનાં તમામ વચન પૂરાં કર્યાં છે તો તેઓ પુરાવા સાથે દર્શાવશે તો કોંગ્રેસ તરફથી તેમને એક લાખનું ઈનામ આપવામાં આવશે.

આ ઉપરાંત આ પોસ્ટરમાં બેકારોને નોકરી, ગંગાની સફાઈ, રામમંદિરનું નિર્માણ, કલમ-૩૭૦, ભ્રષ્ટાચાર, દાઉદ ઈબ્રાહીમને ભારત પરત લાવવા, મોંઘવારી, કાળું નાણું અને બેન્ક ખાતામાં ૧૫ લાખની રકમ જમા કરવા જેવા વિવિધ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્હાબાદમાં લાગેલાં આવાં પોસ્ટર ભારે ચર્ચાસ્પદ બન્યાં છે.

You might also like