મોદી સરકાર શહેરી ગરીબોને મકાનનું ભાડું પણ ચૂકવશે

નવી દિલ્હી: મોદી સરકાર હવે તમારા ફ્લેટ અને રૂમનું ભાડું ચૂકવી શકે છે. કેન્દ્ર સરકાર ૧૦૦ સ્માર્ટ સિટીમાં ટૂંક સમયમાં રૂ. ૨૭૦૦ કરોડની નવી કલ્યાણકારી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ શહેરી ગરીબોને ઘરનું ભાડું ચૂકવવા માટે વાઉચર્સ આપવામાં આવશે. સરકાર રેન્ટ વાઉચર્સની સાથે નવી રેન્ટલ હાઉસિંગ પોલિસી ગરીબીરેખા નીચે જીવતા (બીપીએલ) લોકો માટે રજૂ કરી શકે છે.

સ્માર્ટ સિટીમાં ગરીબોને ભાડું ચૂકવવાની પોલિસી પર આમ તો છેલ્લાં ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે, પરંતુ તેના પ્રથમ કમ્પોનેન્ટનો અમલ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કરવામાં આવશે. સ્માર્ટ સિટીમાં સ્કીમને શરૂ કરવા પર દર વર્ષે રૂ. ૨૭૧૩ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ સ્કીમને શહેરમાં વસતા ગરીબો માટે અમલી બનાવવામાં આવશે કે જેથી મજૂરી કરતા લોકોને આ યોજના રાહતરૂપ નિવડશે. રેન્ટ વાઉચર્સનું વિતરણ સ્થાનિક શહેરી સંસ્થાઓની મદદથી ગરીબોમાં કરવામાં આવશે. ભાડવાત આ વાઉચર્સ મકાન માલિકને આપશે, જે તેને કોઈ સિટીઝન સર્વિસ બ્યૂરો દ્વારા પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી શકશે. જો ભાડું વાઉચરની કિંમત કરતાં વધુ હશે તો ભાડવાતે આ વધારાની રકમ મકાન માલિકને પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડશે. રેન્ટ વાઉચર્સની કિંમત શહેર અને રૂમની સાઈઝની દૃષ્ટિએ સ્થાનિક સંસ્થા નક્કી કરશે.

સરકાર આ વાઉચર્સ સ્કીમ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ની શક્યતા પણ તપાસી રહી છે. ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા અનુસાર શહેરમાં ૨૭.૫ ટકા વસ્તી ભાડાનાં ઘરમાં રહે છે, જોકે નેશનલ સેમ્પલ સર્વેના ડેટા અનુસાર ૨૦૦૯માં શહેરમાં ૩૫ ટકા લોકો ભાડાના ઘરમાં રહે છે.
http://sambhaavnews.com/

You might also like