મોદી સરકારે બે વર્ષમાં કામ કર્યું હોય તે બતાવવું પડશે

થોડા દિવસો બાદ મોદી સરકારના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.ત્યારે સરકારે તેની સિદ્ધિ દર્શાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે મ‌ીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જરા મુસ્કરા દો હેઠળ સરકારની વિવિધ સિદ્ધિઓનો પ્રચાર કરવામાં આવશે. અને ત્યારે જ ખરેખર જણવા મળશે કે આમ જનતા ખરેખર મુસ્કરાઈ છે કે નહિ? સરકારે જો બે વર્ષમાં કામ કર્યુ હશે તો તે બતાવવું જ પડશે.
તાજેતરમાં મોદી સરકારની કામગીરીને લઈને કરવામાં આવેલા સ‍ર્વેમાં તેની ઝલક જોવા મળી હતી. ૧૫ રાજયમાં ચાર હજાર લોકોને સાંકળીને કરવામાં આવેલા આ સર્વેમાં મીડિયાઅે તેની રીતે અનુુમાન કર્યુ છે. જેમાં કોઈઅે તેને અડધા ભરેલા ગ્લાસ સાથે અને કેટલાંક લોકોએ અડધા ખાલી ગ્લાસ સાથે સરખાવ્યો છે. માત્ર ચાર હજાર લોકોનાં મંતવ્યને ધ્યાનમાં લઈને કાઢવામાં આવેલા તારણને સાચા ગણી ન શકાય. પરંતુ તે સાવ ખોટા છે તેવુ પણ માની ન શકાય. ખુદ સરકાર પણ તેને ફગાવી ન શકે. કારણ આ સર્વે મુજબ ૬૨ ટકા લોકોએ વડાપ્રધાનની કામગીરીની પ્રશંસા કરી છે. અને તેનાથી વધુ અેટલે કે ૭૦ ટકા લોકો એવું ઈચ્છે છે કે મોદી પાંચ વર્ષ બાદ પણ વડાપ્રધાન પદે ચાલુ રહે.
જોકે આ સર્વે બાબતે ખુદ સરકારનુ કેવું મંતવ્ય છે તે જાણવા મળી શક્યું નથી. પરંતુ જો સરકાર તેને સાચી બાબત માને તો સરકારે એવુ પણ સ્વીકારવું પડશે કે લોકો પાંચ કે સાત કેન્દ્રિય પ્રધાનને બાદ કરતા અન્ય પ્રધાનોની કામગીરીથી સંતુષ્ટ નથી. જેમ પાંચ આંગળી સરખી નથી તેમ કોઈપણ ટીમના તમામ સભ્ય પણ સમાન ક્ષમતાવાળા હોતા નથી. અને તેથી મુખ્યપ્રધાન અથવા વડા પ્રધાને તેમના પ્રધાનોની પસંદગી વખતે સામાજિક સાથે પ્રાદેશિક સંતુલનની પણ વિશેષ ચિંતા કરવી પડે છે. સાથોસાથ તેણે ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોને સંતોષ આપવો પચે છે. જોકે મોદી સમક્ષ ગઠબંધન સરકારની અેવી કોઈ મજબુરી નથી. જેવી મનમોહનસિંહ સમક્ષ હતી. અને તેના કારણે તેઓ વધુ મજબૂર જોવા મળતા હતા.
મોદી પાસે ન તો કોઈ સોનિયા ગાંધી છે અને ન તો રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવી બંધારણ સાથે સંકળાયેલી અેવી સંસ્થા કે જે પાછ‍ળના દરવાજાથી શાસન કરી શકે. આવી સ્થિતિમાં તેેમની પાસે પ્રધાનો તરીકે એવા સાથીદાર જ હોવા જોઈઅે કે જે તેમની સાથે કદમ મિલાવી ચાલી શકે. બિન કાર્યક્ષમ પ્રધાનોને કેન્દ્રીય પ્રધાનમંડળમાં કોઈ સ્થાન હોવુ ન જોઈઅે. પોતાની જવાબદારી કે ફરજ સારી રીતે નહિ નિભાવી શકનાર પર ભરોસો મુકી ન શકાય. તેમના માટે કોઈ ચોકકસ આયોજન કરવું જોઈઅે.
જોકે હવે પ્રધાનમંડળમાં ઝડપથી ફેરફાર થશે એવા પ્રકારની અટકળો બંધ થઇ ગઇ છે, પરંતુ એવું પણ કહેવું મુશ્કેલ ગણાશે કે આવનારા સમયમાં પ્રધાનમંડળમાં કોઇ ફેરફાર થશે કે નહીં? આવું થાય કે ન થાય તે બાબત અલગ છે, પરંતુ એ બાબતમાં બે મત નથી કે સરકારે સુધારાની ઝડપ વધુ તેજ બનાવવી પડશે તેમજ પોતાની યોજના અને કાર્યક્રમોને પણ વધુ અસરકારક બનાવવા પડશે અને એવા ઉપાયો પણ હાથ ધરવા પડશે જેનાથી આમ જનતાને વાસ્તવિક પરિવર્તન થયું હોવાનો અનુભવ થઇ શકે.
થોડા દિવસો પહેલાં વડા પ્રધાને બલિયામાં તેમની સરકારની એક વધુ જનકલ્યાણકારી યોજના ઉજ્જવલાની શરૂઆત કરાવી હતી. જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારની દસ જેટલી મહિલાઓને રાંધણ ગેસનું મફત કનેકશન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અને જાગૃતિ લાવનારા અભિયાનોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
વડા પ્રધાને આવી જાહેરાત અગાઉ પણ કરી હતી. તેઓ તેમના વિદેશ પ્રવાસમાં પણ આવી યોજનાની ચર્ચા કરતા રહ્યા છે પરંતુ હકીકત એ છે કે માત્ર ગણ્યાગાંઠયા પ્રધાનો જ સરકારની યોજનાના પ્રચાર-પ્રસારમાં રસ દાખવે છે.

You might also like