મોદી સરકાર રોજગાર સહિત તમામ મોરચે સાવ નિષ્ફળઃ મનમોહનસિંહ

નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે નરેન્દ્ર મોદી સરકારને નોટબંધી અને બેરોજગારીના મુદ્દે આડે હાથ લેતાં જણાવ્યું હતું કે મોદી સરકારે જે વાયદાઓ કર્યા હતા તેને પૂરા કર્યા નથી. મોદી સરકારે બે કરોડ રોજગાર આપવાનું વચન આપ્યું હતંુ, પરંતુ આજે દેશના યુવાનો રોજગારીની પ્રતીક્ષા કરી રહ્યા છે.

મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે એવો આક્ષેપ કરીને મનમોહનસિંહે જણાવ્યું હતું કે કૃષિ સંકટ, કથળેલ આર્થિક સ્થિતિ અને પાડોશી દેશો સાથેના સંબંધોમાં મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જો મોદી કોઇ અન્ય દેશમાં વડા પ્રધાન હોત તો તેમણે રાજીનામું આપી દેવું પડત.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલના પુસ્તક ‘શેડ ઓફ ટ્રૂથ’ના વિમોચન પ્રસંગે બોલતાં મનમોહનસિંહે મોદી સરકારને નિશાન બનાવીને તેનો ઊધડો લીધો હતો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી સાથે મનમોહનસિંહે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

પુસ્તકની પ્રશંસા કરતાં મનમોહનસિંહે જણાવ્યું હતું કે આ પુસ્તક ગહન સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં મોદી સરકારનું સમગ્ર વિશ્લેષણ છે. આ પુસ્તક મોદી સરકારની નિષ્ફળતાઓને ઉઘાડી પાડશે.

મનમોહનસિંહે નોટબંધી અને જીએસટી મામલે મોદી સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે નોટબંધી ખોટી રીતે લાગુ પાડવામાં આવી હતી અને જીએસટીના કારણે દેશના વેપાર-ધંધા પ્રભાવિત થયા છે. વિદેશમાં જમા કાળું નાણું પરત લાવવા માટે મોદી સરકારે કોઇ કાર્યવાહી કરી નથી.

You might also like