‘મોદી સરકાર અમને જેલમાં જતાં બચાવી શકી હોત’

અમદાવાદ: સોહરાબુદ્દીન અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના આરોપી અને પૂર્વ આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ સ્ફોટક નિવેદન આપતાં જણાવ્યું છે કે એન્કાઉન્ટર કેસ વખતે તત્કાલીન રાજ્ય સરકાર અમને બચાવી શકી હોત. તે વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધું નામ લીધા વિના વણઝારાએ જણાવ્યું કે અમને જેલમાં જતાં ન બચાવી શક્યા, કેમ કે તત્કાલીન રાજ્ય સરકારના સર્વેસર્વા એ વખતે પોતાની ચામડી બચાવવામાં વ્યસ્ત હતા.

વી ટીવી ન્યૂઝ ચેનલના ‘ઓફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં વણઝારાએ નિર્ભીકપણે અને ખુલ્લા દિલે તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક પોલીસ અધિકારી તરીકે મેં પોલીસખાતામાં કામ કર્યું હોવાથી મારા ખુદના અનુભવના આધારે કહું છું કે રાજકારણીઓ દેશદ્રોહી હોય છે. રાજકારણીઓ અને ગુનેગારો વચ્ચે નેક્સસ (સાઠગાંઠ) હોય છે.

તેમણે કહ્યું હતું કે મારા દિમાગમાં કંઇક એવું ચાલી રહ્યું છે કે એક એવું એનજીઓ હોવું જોઇએ, કોઇ એવી મૂવમેન્ટ હોવી જોઇએ, જેમાં દેશભરના પોલીસ અધિકારીઓને ફરજ બજાવતાં બજાવતાં અમારી જેવો અન્યાય થયો હોય તો તેની સામે લડી શકાય અને તેમને બચાવી શકાય. ‘આપે જે એન્કાઉન્ટર કર્યાં એનું ગૌરવ છે કે અફસોસ?’ એવા સવાલના જવાબમાં વણઝારાએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સાચાં હતાં. આઇબીના ઇનપુટ્સના આધારે કરવામાં આવ્યાં હતાં. એન્કાઉન્ટર અસલી હતાં, નકલી નહીં. આ એન્કાઉન્ટર ન થયાં હોત તો ગુજરાત અને દેશની સ્થિતિ ઘણી ખરાબ હોત. શાંતિ ન હોત તો વિકાસ ન થયો હોત. આવા સંજોગોમાં અમે જ્યારે કંઇ ખોટું કર્યું જ નથી તો અફસોસ શાનો? હું જે બોલું છું, લખું છું કે કરું છું તેને નકારતો નથી.

વણઝારાએ જણાવ્યું હતું કે કેન્દ્રની વર્તમાન સરકાર ગુનાખોરી ડામવા માટે સક્ષમ છે, જોકે ગુનાખોરીને ડામવા સક્ષમ કાયદાઓ જ નથી. પોલીસ વિશે તેમણે કહ્યું હતું કે હું માનું છું કે પોલીસની ધાક હોવી જોઇએ. પોલીસનું મોરલ રાજકીય ષડ્યંત્રના કારણે ડાઉન થયું છે.

ઉલ્લેખનીય છે કે અેપ્રિલ-ર૦૦૭માં વણઝારાની ધરપકડ થઇ હતી અને તેમણે લાંબો જેલવાસ ભોગવ્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે મારી જેલની યાત્રા તપ સમાન હતી. મેં મારી પળેપળનો ઉપયોગ કર્યો છે અને એ તપનું ફળ હવે સમાજને આપવા માગું છું.

વણઝારાએ એક તબક્કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નાં વખાણ કરતાં કહ્યું હતું કે તે સારું સગઠન છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીકા કરી હતી. ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ચાલે કે નહીં તે અંગે તેમણે કહ્યું હતું કે ગુજરાત ભ્રમણ કર્યા પછી હું આ અંગે કોઇ નિર્ણય લઇશ. દરમિયાનમાં વણઝારાના અાક્ષેપ અંગે રાજ્ય સરકારના પ્રવક્તાનો સંપર્ક થઈ શક્યો ન હતો. વી ટીવી ન્યૂઝ ચેનલ પર શનિવારે રાત્રે ૯.૦૦ કલાકે અને રવિવારે બપોરે ૧ર.૩૦ કલાકે ‘ઓફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં વણઝારાનો આ ઇન્ટરવ્યૂ જોઇ શકાશે.

ગુજરાતમાં મોટા ભાગનાં એન્કાઉન્ટર સરકારના ઇશારે કરાયાં હતાં
ગુજરાતમાં થયેલાં એન્કાઉન્ટરો પૈકીનાં મોટાભાગનાં એન્કાઉન્ટરો તત્કાલીન સરકારની સૂચના મુજબ થયાં છે. તે બાબત ક્યાંકને ક્યાંક બહાર અાવી રહી છે. ગુજરાત પોલીસના અધિકારીઅો એન્કાઉન્ટરના મામલે જેલમાં ગયા બાદ અાતંકવાદીઅો અાવતા બંધ થઈ ગયા છે. જેના ઉપરથી સાબિત થાય છે કે તત્કાલીન સરકારે સ્ટેજ મેનેજ કરવા માટે અાવાં એન્કાઉન્ટરો કરાવ્યાં હતાં. અા અંગેની વાસ્તવિકતા બહાર અાવે તે જરૂરી છે.
સિદ્ધાર્થ પટેલ, પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

અા સરકારને લગતી બાબત છે
આ સરકારને લગતી બાબત છે. સરકારના પ્રધાન જ આ બાબતે ચોક્કસ જવાબ આપી શકે. તેમની સાથે વાત થાય તો વધુ સારું.
ભરત પંડ્યા, પ્રવક્તા, પ્રદેશ ભાજપ

You might also like