મોદી સરકારનાં ત્રણ વર્ષના જશ્નની થીમ MODI બ્રાન્ડ

નવી દિલ્હી: ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થવા આડે હવે જ્યારે ૧૦૦ કલાકનો સમય બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર આ ત્રણ વર્ષની પોતાની સિદ્ધિઓ ગણાવવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. ભાજપ આ પ્રસંગને રાષ્ટ્રવ્યાપી જશ્ન તરીકે ઊજવવા જઈ રહ્યું છે અને આ જશ્નમાં તેમનો પ્રયાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક બ્રાન્ડ તરીકે દેશ સમક્ષ રજૂ કરવાનો છે. આ જશ્નનું નામ પણ MODI (Making of Developed India-MODI) જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે કેન્દ્રીય પ્રધાનો અને વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે કે તેઓ ૨૫ મેથી ૧૫ જૂન સુધી સમગ્ર દેશનો પ્રવાસ કરીને વડા પ્રધાન મોદીની MODI છબી (Making of Developed India-MODI)નો ઉલ્લેખ કરે. આ કામ માટે ભાજપે પોતાના ૪૫૦થી વધુ નેતાઓને કામે લગાડ્યા છે, જેમાં કેન્દ્ર સરકારના તમામ પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.

૨૫મેથી શરૂ થઈ રહેલા આ જશ્નમાં મોદીના પ્રધાનો અને પક્ષના નાના-મોટા નેતાઓ આગામી ૨૦ િદવસ સુધી દેશમાં ૯૦૦ સ્થળનો પ્રવાસ કરશે. કેન્દ્રના પ્રધાનો ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાનો, અન્ય પ્રધાનો અને સમગ્ર પક્ષને આ ઉત્સવ માટે કામે લગાડવામાં આવ્યા છે. તમામ નેતાઓ અને પ્રધાનો ઠેર ઠેર રેલીઓ યોજીને મોદી સરકારની ત્રણ વર્ષની સિદ્ધિઓ લોકોને જણાવશે.

જોકે આ જશ્ન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રા પર પણ જનાર છે, પરંતુ આ જશ્નની શરૂઆત કરવા મોદી આસામ જશે અનેે ગુવાહાટીમાં જાહેર સભાને સંબોધશે. પક્ષના અધ્યક્ષ અમિત શાહે ત્રિવેન્દ્રમ અને ગંગટોકમાં જાહેરસભા યોજવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પટણા જશે અને નાયબ મુખ્યપ્રધાન કેશવ મોૈર્ય નાલંદામાં ઉપસ્થિત રહેશે.
http://sambhaavnews.com/

You might also like