મોદી સરકારને ચિંતા કરાવતો આર્થિક ત્રાસવાદ

નવી દિલ્હી: દેશની તપાસનીશ એજન્સી એનઆઈએ માત્ર પઠાણકોટ જેવા ત્રાસવાદી હુમલાની તપાસ કરી નથી રહી પરંતુ તેની તપાસના દાયરામાં અન્ય પ્રકારનો ત્રાસવાદ પણ છે જે સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. આ ત્રાસવાદને આર્થિક ત્રાસવાદ કહેવામાં આવે છે અને તે દેશના અર્થતત્રં માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે. સરકાર અને આઈબીના એક અભ્યાસ અનુસાર દેશમાં દર વર્ષે ૨૫૦૦ કરોડ રૂપિયાની નકલી નોટ ઘૂસાડવામાં આવે છે અને આ અંગેના ૯ જેટલા કેસની તપાસ સરકારે એનઆઈએને આપી છે.

મોદી સરકારે જ્યારથી કેન્દ્રમાં હવાલો સંભાળ્યો છે ત્યારથી આ મામલાને અત્યંત ગંભીર ગણ્યો છે અને નકલી ચલણી નોટોની દાણચોરીના કેસ એનઆઈને સોંપી દીધા છે. આમ તો ૨૦૦૯થી ૨૦૧૪ના સમયગાળામાં યુપીએ સરકાર વખતે પણ એનઆઈઆરને આવી તપાસ સોંપવામાં આવી હતી. ગૃહમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર બજારમાં જે રીતે નકલી ચલણી નાણું ઠલવાઈ રહ્યું છે તે જોતાં અર્થતંત્ર માટે ચિંતા વધી ગઈ છે.

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિન્હાએ થોડા સમય પહેલાં જ સંસદને એવી માહિતી આપી હતી કે ૨૦૧૪ સુધીમાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન ૧૩૬ કરોડની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે કે ૧૩૬ કરોડનો આંકડો એ હિમશીલાની ટોચ જેવો છે. બાકી દર વર્ષે અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો ભારતીય બજારમાં ઠાલવવામાં આવી રહી છે. એમ તો એનઆઈએના સૂત્રો એવું માની રહ્યા છે કે અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની નકલી નોટો ઠલવાઈ રહી છે પરંતુ આઈબીએ પોતાના અહેવાલમાં ૨૫૦૦ કરોડનો આંકડો આપ્યો છે. રિઝર્વ બેન્કના પ્રવકતા રૂપાંબરાના જણાવ્યા અનુસાર વ્યવસાયિક બેન્કોમાંથી વધુ પ્રમાણમાં નકલી ચલણી નોટો પકડાઈ રહી છે.

You might also like