પહેલી વખત લંડનમાં દેખાયો નીરવ મોદી: ભારત પરત આવવા પર કહ્યું, ‘નો કોમેન્ટ’

(એજન્સી) લંડન: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડમાં ફરાર જાહેર થયેલો નીરવ મોદી પહેલી વખત લંડનમાં જાહેરમાં રસ્તા પર ફરતો નજરે આવ્યો હતો. ભારતની ટોચની તપાસ એજન્સીઓ જેને શોધી રહી છે તે નીરવ મોદીએ તેનો લુક સાવ બદલી નાખ્યો છે. વધેલી દાઢી-મૂછમાં નીરવ મોદી એકદમ બેખોફ નજરે પડ્યો હતો. પત્રકારોએ તેને ભારત પરત આવવા સહિતના અનેક સવાલ પૂછ્યા હતા પણ તેણે ફક્ત ‘નો કોમેન્ટ’ કહીને દરેક સવાલ ટાળી દીધા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં રહે છે. તે આ પોશ વિસ્તારના ૮૦ લાખ પાઉન્ડ (અંદાજે ૭ર કરોડ રૂપિયા)ના વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે. અંગ્રેજી અખબાર ટેલિગ્રાફના અહેવાલ અનુસાર નીરવ દર મહિને આ એપાર્ટમેન્ટનું ૧૭ હજાર પાઉન્ડ (અંદાજે ૧પ.પ લાખ રૂપિયા) ભાડું ચૂકવી રહ્યો છે. ભારતીય અધિકારીઓએ નીરવના તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. ઈન્ટરપોલે તેની ધરપકડ માટે રેડકોર્નર નોટિસ જારી કરી છે. આમ છતાં પણ નીરવ લંડનમાં પોતાનો બિઝનેસ બિનધાસ્ત ચલાવી રહ્યો છે.

ટેલિગ્રાફે પોસ્ટ કરેલા એક વીડિયોમાં નીરવ મોદી લંડનના રસ્તા પર ફરતો દેખાય છે. તેણે હવે પોતાનો દેખાવ બદલીને દાઢી-મૂછ વધાર્યા છે. નીરવ મોદી ઓસ્ટ્રિચ હાઈડ કંપનીના જેકેટમાં નજરે પડ્યો હતો. ટેલિગ્રાફ અનુસાર આ જેકેટની કિંમત અંદાજે આઠ લાખ રૂપિયા છે.

પત્રકારે નીરવ મોદીને ઘણા સવાલો પૂછ્યા હતા પણ તેણે એક પણ સવાલનો સીધો જવાબ આપ્યો ન હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે બ્રિટનમાં શરણ લેવા માટે અરજી કરી છે તો તેણે ‘સોરી, નો કોમેન્ટ’ કહીને ચાલતી પકડી હતી.

ભારતીય તપાસ એજન્સીઓ હાલ યુકેના અદિકારીઓથી ખુશ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્રિટન નીરવ મોદીના પ્રત્યર્પણ અંગે પૂરો સહકાર આપતું નથી. એજન્સીઓને દાવો છે કે નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી થવા છતાં પણ તે બ્રિટનમાં બિનધાસ્ત ફરી રહ્યો છે અને તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ નીરવ મોદીની ધરપકડ કરવા માટે બ્રિટનના અધિકારીઓને અનેક વખત રિમાઈન્ડર મોકલ્યા છે પણ લંડનના અધિકારીઓ દ્વારા તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હાલમાં જ ઈડીએ રૂ. ૧૩ હજાર કરોડના પીએનબી કૌભાંડમાં નીરવ મોદીની ૧૪૭.૭ર કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.

You might also like