મોદીએ કાળભૈરવનાં દર્શન કરી દિગ્ગજોની હાજરીમાં અભિજિત મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાર્યસિદ્ધિ માટે શ્રેષ્ઠ, સૌથી પ્રભાવશાળી અને શુભ ગણાતા અભિજિત મુહૂર્તમાં વારાણસી લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. વારાણસીના પંડિતોએ આપેલા શુભ મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં પીએમ મોદીએ ‘કાશીના કોટવાલ’ દંડના અધિકારી અને કલ્યાણ કરનારા બાબા કાળભૈરવનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મોદીએ કાશીવિશ્વનાથ મંદિરમાં પણ દર્શન-પૂજન કર્યાં હતાં અને ત્યારબાદ નોમિનેશન ફાઈલ કરવા માટે કલેક્ટર કચેરી ગયા હતા. આ પ્રસંગે એનડીએના સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો અને પાંચ રાજ્યના મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

સાધ્યયોગની સાથે ભદ્રા કાળ ન હોવો અને તમામ ગ્રહ-નક્ષત્ર અનુકૂળ હોવાના કારણે ઉમેદવારીપત્ર ભરવા માટે આજનો દિવસ સૌથી શુભકારી છે. પીએમ મોદી બીજી વખત વારાણસી બેઠક પરથી આ ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં તેમણે ફોર્મ ભરવાના દિવસ અને સમય અંગે વારાણસીના જ્યોતિષીઓની સલાહ માની ન હતી પણ આ વખતે સ્થિ‌િત અલગ છે. બનારસના પંડિતો પર વિશ્વાસ મૂકીને મોદીએ આજનો એટલે કે ર૬ એપ્રિલનો દિવસ પસંદ કર્યો હતો. આજે અભિ‌િજત મુહૂર્તમાં જ પીએમ મોદીએ કલેક્ટરેટ રાઈફલ ક્લબ સ્થિત નોમિનેશન સ્થળ પર જિલ્લા ચૂંટણી અધિકારી સુરેન્દ્રસિંહ સામે પ્રસ્તાવક (રજૂ કરનાર)ની હાજરીમાં ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું.

વડા પ્રધાન મોદીના નોમિનેશનના પ્રસ્તાવકોમાં સામાજિક સમરસતા પણ જોવા મળી હતી. વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વખતે ‘ભારતરત્ન’ પંડિત મદન મોહન માલવિયના પૌત્ર અને હાલ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ચાન્સેલર જસ્ટિસ ગિરધર માલવીય અને પદ્મભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીરભદ્ર નિષાદ (મલ્લાહ) અને અશોક (વણકર)ને પણ પ્રસ્તાવક બનાવાયા હતા.

આ વખતે ડોમરાજાના પરિવારના સભ્ય, ટ્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવનારી મહિલા, ચોકીદાર અને સફાઈ કર્મચારીને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા છે.

મોદીએ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું ત્યારે એનડીએના સાથી પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર, લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ રાજ્યના મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહપ્રધાન રાજનાથસિંહ, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના ૯.૦૦ વાગ્યે વારાણસીના કેન્ટ વિસ્તારમાં આવેલી હોટલ ડી પેલેસમાં બૂથ કાર્યકરોને ખાસ સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેઓ કાળભૈરવ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી. કાળભૈરવ બાબાના આશીર્વાદ લીધા બાદ મોદી કલેક્ટરેટ માટે રવાના થયા હતા. આજે ઉમેદવારીપત્ર ભર્યા બાદ પીએમ મોદી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીસભાઓ સંબોધિત કરવાના છે.

You might also like