મોદી કેબિનેટમાં ટૂંક સમયમાં ફેરફારઃ વસુંધરાને સ્થાન મળશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પોતાના કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કરનાર છે. ચોમાસુ સત્ર બાદ મોદી કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે. આ વખતે કેબિનેટ ફેરફારમાં કેટલાંક ચોંકાવનાર નામ સામે આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે અને તેઓ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું સ્થાન લઈ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી સુષમા સ્વરાજની તબિયત નાદુરસ્ત છે અને તાજેતરમાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા કરાવી છે. વસુંધરા રાજેના સ્થાને ઓમ માથુરને રાજસ્થાનના મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા છે. હાલ ઓમ માથુર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે. આ ઉપરાંત મનોહર પારિકરને ગોવાના મુખ્યપ્રધાન બનાવ્યા બાદ સંરક્ષણ પ્રધાનનો કાર્યભાર હાલ નાણાપ્રધાન અરુણ જેટલી પાસે છે. આ સંજોગોમાં વડા પ્રધાન સંરક્ષણપ્રધાન તરીકે કોઈ નવા ચહેરાને સ્થાન આપી શકે છે.

કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહાનો દરજ્જો પણ વધી શકે છે. યુપીના સીએમની રેસમાં મનોજ સિંહા સૌથી આગળ હતા, પરંતુ અચાનક યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવતા મનોજ સિંહાની નારાજગી દૂર કરવા તેમનો દરજ્જો વધારવામાં આવશે. પીએમ મોદીના કેબિનેટમાં કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્ર માટે ખરાબ સમાચાર આવી શકે છે. તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવીને કેબિનેટમાંથી તેમની વિદાય કરવામાં આવશે.

ઉત્તરાખંડના કોઈ નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ઉત્તરાખંડમાંથી રમેશ પોખરિયાલ નિશંક, ભગતસિંહ કોશિયારી કેબિનેટ પ્રધાન મંડળની રેસમાં છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક ચહેરાઓને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like