આધુનિક ટેકનિક ન્યૂરલ નેટવર્ક સિસ્ટમથી ચાલશે ડ્રાઇવરલેસ કાર

(એજન્સી) બોસ્ટન: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક નવી ટેકનિક તૈયાર કરી છે, જેના માધ્યમથી ડ્રાઇવરલેસ કાર પોતાના પ્રત્યેક પાછલા અનુભવોમાંથી શીખ હાંસલ કરશે, જેના માધ્યમથી તે અજાણ અને બહુ જ વિપરીત સ્થિતિઓમાં પણ સુરક્ષિત સફર ઉપલબ્ધ કરાવશે. વિજ્ઞાનીઓએ બે ડ્રાઇવરલેસ કાર ‘નિકી’ અને ‘શેલી’ના માધ્યમથી રેસટ્રેક પર આ ટેકનિકનું પરીક્ષણ પણ કર્યું છે.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી નાથન સ્પીલબર્ગે જણાવ્યું, ”નવી ટેકનિક ડ્રાઇવરલેસ કારમાં સુરક્ષાના સ્તરને વધારશે. ડ્રાઇવરલેસ કાર વિભિન્ન સ્થિતિમાં પણ વધુ સારું પ્રદર્શન કરશે. તે નોર્મલ ડ્રાઇવિંગથી માંડીને ઉચ્ચ ઘર્ષણવાળા ડામર રોડ પર અને ઓછા ઘર્ષણવાળા બરફના રોડ પર પણ સારી રીતે કન્ટ્રોલમાં ચાલશે.” તેમનું કહેવું છે કે તેઓ અફની એલ્ગોરિધમને કોઈ કુશળ ડ્રાઇવરથી પણ વધુ સારું બનાવવા ઇચ્છે છે. હાલની ડ્રાઇવરલેસ કાર આસપાસની પળેપળની જાણકારી હાંસલ કરે છે, પરંતુ તેની પાસે જૂનો કોઈ અનુભવ હોતો નથી. રોડ પર ઘણી વાર સ્થિતિઓનું પુનરાવર્તન થતું હોય છે. એ પરિસ્થિતિમાં જૂનો અનુભવ બહુ જ કામ આવે છે.

ડ્રાઇવરલેસ કારને ચાલવા માટે સૌથી પહેલી જાણકારીની જરૂર પડે તે છે ટાયર અને રોડનું ઘર્ષણ કેટલું છે. આ જાણકારી બાદ જ એ નક્કી થાય છે કે વિભિન્ન સ્થિતિઓમાં બ્રેક કેટલી ઝડપથી લગાવવી અને કેટલું એક્સિલેટર આપવું. કાર બરફાચ્છાદિત સ્થળે ચાલે ત્યારે ત્યાંની સ્થિતિઓ પળેપળ બદલાતી હોય છે.

ન્યૂરલ નેટવર્ક બનાવ્યુંઃ વિજ્ઞાનીઓએ જણાવ્યું કે વધુ નિયંત્રણવાળી પ્રણાલી વિકસિત કરવા માટે તેમણે એક એઆઇ કમ્પ્યૂટિંગ સિસ્ટમની જેમ ન્યૂરલ નેટવર્ક સિસ્ટમ બનાવી છે, જે પાછલા અનુભવોનો ડેટા એકઠો કરે છે, સાથે જ તેમાં પાયાના કેટલાક સિદ્ધાંતો પણ જોડાયેલા હોય છે. સ્ટેનફોર્ડના પ્રોફેસર જે. ક્રિશ્ચિયન ગેરિડ્સે જણાવ્યું, ”અત્યાર સુધી ઉપલબ્ધ ટેકનિકોમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી.”

પરીક્ષણ કરાયુંઃ વિજ્ઞાનીઓએ પોતાની નવી ટેકનિકનું પરીક્ષણ બે ડ્રાઇવરલેસ કાર ‘નિકી’ અને ‘શેલી’ પર કર્યું છે. તેમણે નિકીને નવા ન્યૂરલ નેટવર્કથી સજ્જ કરી છે, જ્યારે શેલીને જૂની ટેકનિક પર જ રાખી. પ્રથમ પરીક્ષણમાં શેલી અને નિકી બંનેએ લગભગ સમાન પ્રદર્શન કર્યું હતું. પરંતુ ન્યૂરલ નેટવર્ક સિસ્ટમના કારણે નિકીએ પાછલા અનુભવોમાંથી જાણકારી હાંસલ કરી અને પછીના પરીક્ષણમાં શેલીથી વધુ સારું પ્રદર્શન કર્યું. વિજ્ઞાનીઓ આ પરિણામથી ઘણા જ ઉત્સાહી બન્યા છે.

You might also like