મતદાન પહેલાં ઈ વોટિંગ માટે મોક-પોલ યોજાશે

અમદાવાદ: ૨૨ની નવેમ્બરે યોજાઈ રહેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઈ વોટિંગ માટે રજિસ્ટર થયેલા અમદાવાદના ૨,૭૫૬ હજાર વોટર્સ માટે મોક-પોલની સુવિધા આવતી કાલે શરૂ થશે. ઈવેન્ટ આવનારા તમામ મતદારોને યુઝર્સ આઈ ડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સવા આઠ કલાકે મતદાન શરૂ થાય તે પહેલાં તમામ બૂથ ઉપર ચૂંટણી વિભાગ દ્વારા મોક-પોલ કરવામાં આવશે. આ વખતે ગત વર્ષની તુલનાએ વધુ ઈ વોટર્સ હોઈને તંત્ર દ્વારા ઓનલાઈન વોટિંગ માટે પણ મોક-પોલ રાઉન્ડ યોજવામાં આવ્યો છે.

ઈ વોટિંગ માટે રાજ્યમાં કુલ ૨૦ હજાર મતદારે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકી આઠ હજાર મતદારોએ વેરિફિકેશનથી અટપટી વ્યવસ્થા પાર પાડી આધાર પુરાવા રજૂ કરવામાં સફળ થયા હતા. આ ઉપરાંત જે મતદારોએ ઈ બૂથ પર જઈને વોટિંગ કરવા માટે પોતાનો ઈ વોટ રજિસ્ટર્ડ કરાવ્યો છે. તે તમામ મતદારો સવારે આઠથી પાંચ વાગ્યા સુધીમાં ઓનલાઈન વોટિંગ કરે તે માટે તેમને અલાયદા યુઝર્સ આઈડી અને પાસવર્ડ આપી દેવાયા છે. આ તમામ હાઈટેક મતદારોએ આજે રાતે દસ કલાક સુધીમાં તેમનું યુઝર્સ આઈડી એકાઉન્ટ એક્ટિવેટ કરવાનું રહેશે અને એકાઉન્ટ એક્ટિવેટ થયા બાદ જ તેઓ રવિવારે ઈ વોટિંગ કરી શકશે. જે રીતે ઈવીએમની ખરાઈ માટે મોક-પોલ રાઉન્ડ યોજાઈ છે તે રીતે ઈ વોટિંગ માટે પણ મોક-પોલ રાઉન્ડ કાલથી શરૂ થશે. ત્યાર બાદ રવિવારે ઈ વોટિંગ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં ઈ વોટિંગના ફરજિયાત ફિઝિકલી વેરિફિકેશનમાં ૬૦ ટકા મતદારો નિષ્ફળ જતાં હવે ૨૦ હજારમાંથી માત્ર આઠ હજાર મતદાર ઈ વોટિંગ કરી શકશે. પંચ દ્વારા વેરિફિકેશનની મુદત એક દિવસ લંબાવાયા છતાં ૫૦ ટકાથી ઓછા લોકોનું ફિઝિકલ વેરિફિકેશન થઈ શક્યું હતું. અમદાવાદમાં કુલ ૨૭૫૬ ઈ-વોટર્સ નોંધાયા છે. ચૂંટણીપંચ દ્વારા પણ સવારે મોક-પોલ રાઉન્ડ યોજાશે. ત્યાર બાદ મતદારો ૮ વાગ્યાથી ઈ-વોટ આપશે.

You might also like