મોબાઈલ ફોન તથા પાર્ટ્સ પર ૧૦ ટકા આયાત ડ્યૂટી તાત્કાલિક અસરથી લાગુ

નવી દિલ્હી: સ્થાનિક મોબાઇલ ફોન ઉત્પાદકોને પ્રોત્સાહન મળે તથા આયાત ઉપર અંકુશ આવે તે હેતુથી જીએસટી આવ્યા બાદ તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકારે મોબાઇલ તથા તેના પાર્ટ્સ પર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાદી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન, ચાર્જર, ઇયર ફોન, બેટરી, યુએસબી કેબલ, કી પેડ અને અન્ય ઇલેક્ટ્રોનિક એસેસરીઝ પર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાદી છે, જોકે ટચ પેનલ, કવર ગ્લાસ, એસેમ્બ્લી વાઇબ્રેટર મોટર અને રિંગર જેવા મોબાઇલ પાર્ટ્સ પર આયાત ડ્યૂટી પર રાહત જારી રહેશે.

નોંધનીય છે કે દેશમાં મોટા પ્રમાણમાં મોબાઇલ ફોનની આયાત થાય છે અને તેના કારણે વિદેશી હૂંડિયામણ મોટા પ્રમાણમાં બહાર ચાલ્યું જતું હતું. જીએસટી બાદ આયાત પર અંકુશ મૂકવા માટે સરકારે મોબાઇલ તથા મોબાઇલ ફોનના પાર્ટસ પર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાદી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ઊંચી આયાત ડ્યૂટીના કારણે વિદેશથી આયાત થયેલા મોબાઇલ ફોન ખરીદવા હવે મોંઘા પડશે. એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ તથા મોબાઇલ પાર્ટ્સ ખરીદવા પણ હવે આગામી દિવસોમાં મોંઘા પડી શકે છે.
http://sambhaavnews.com/

You might also like