સાબરમતી જેલમાં સાવરણીમાં છુપાવેલો મોબાઈલ મળી આવ્યો

અમદાવાદ: શહેરની સાબરમતી જેલમાંથી ફરી એક વાર મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. ચે‌કિંગ દરમ્યાન નવી જેલની બેરેકમાંથી સાવરણીમાં છુપાવેલો બિનવારસી મોબાઈલ મળી આવતાં રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજ્યની જેલના વડાની ઝડતી સ્ક્વોડ દ્વારા ગઈ કાલે બપોરે સાબરમતી નવી જેલમાં અચાનક ચે‌કિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલની ઝડતી સ્ક્વોડના માણસો સાથે નવી જેલમાં ચે‌કિંગ દરમ્યાન શાંતિનિકેતન બેરેક નંબર-૩માં તપાસ કરતાં શૌચાલય પાસે સાવરણીમાંથી એક બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો.

સાવરણીમાં કોઈ કેદીએ મોબાઈલ છુપાવી દીધો હતો. ઝડતી સ્ક્વોડે મોબાઈલ જપ્ત કરીને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો હતો. ઝડતી સ્ક્વોડના જેલર દ્વારા અજાણી વ્યકિત સામે પ્રિઝન એક્ટ મુજબ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટનાઓ બની છે. ગઈ કાલે રાજ્યની જેલના વડાની ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી અને મોબાઈલ મળી આવતાં જેલતંત્ર સામે ફરી સવાલ ઊભા થયા છે.

જેલના અધિકારીઓ પોતાનાે બચાવ કરતાં આજુબાજુમાં આવેલા રહેણાક વિસ્તારના લીધે કોઈ બહારથી જેલમાં મોબાઈલ ફેંકીને જેલમાં ફોન પહોંચાડતા હોવાનું જણાવે છે.

You might also like