અરજી આપી દો, મોબાઈલ ફોન મળશે તો ફરિયાદ નોંધીશું

અમદાવાદ: જ્યારે કોઈ પણ ચોરીનો બનાવ બને તો તાત્કાલિક તેની ફરિયાદ નોંધવી તે પોલીસ મેન્યુઅલમાં છે, પરંતુ પોલીસકર્મીઓ ગુનાની તપાસ કરવાની આળસમાં કોઈ પણ ફરિયાદીની તાત્કાલિક ફરિયાદ લેવાની જગ્યાએ માત્ર અરજી લઇ લે છે અને જો ચોર મળશે તો બોલાવીને ફરિયાદ લઈશું તેમ કહી રવાના કરી દે છે.

મૂળ જામનગરની અને હાલ એલિસબ્રિજ વિસ્તારમાં સરકારી મહિલા છાત્રાલયમાં રહેતી વિશ્વા કોડિના‌િરયા ગવર્નમેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સમાં એ‌િન્જનિયરિંગમાં અભ્યાસ કરે છે. 9 જુલાઈના રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ વિશ્વા અને તેની મિત્ર મીરાં અકબરી ડી-માર્ટ ખાતે ખરીદી કરવા ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યારે કલગી ચાર રસ્તા પાસે એક અજાણ્યો શખ્સ કાળા કલરનું એક્ટિવા લઇને આવ્યો હતો. શખ્સે વિશ્વાને જણાવ્યું હતું કે મારા મિત્રને હાઈ-વે પર અકસ્માત થયો છે તો હોસ્પિટલ જાણવા ફોન કરવો છે. આમ કહી તેણે ફોન કરી વિશ્વાને ફોન પરત આપ્યો હતો. બાદમાં અચાનક તે શખ્સ મોબાઈલ ઝૂંટવી એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો. બંને તેની પાછળ દોડ્યાં હતાં, પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જોકે વિશ્વાએ તેના એક્ટિવાનો નંબર નોંધી લીધો હતો.

આ અંગે તેઓ ફરિયાદ નોંધાવવા માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં જ્યાં હાજર પોલીસકર્મીએ ‘અરજી આપી દો, મોબાઈલ ફોન મળશે તો ફરિયાદ નોંધીશું’ તેમ કહી દીધું હતું. આ એક નહીં, પરંતુ આવા અનેક મોબાઈલ ચોરીના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધવાની જગ્યાએ અરજી લઇ ફરિયાદીને રવાના કરી દે છે. જો કોઈ ફરિયાદ આપવા દબાણ કરે તો તેઓની પાસે મોબાઈલનું બિલ લઈને આવવાનું કહે છે. ફરિયાદી મોબાઈલનું બિલ લઈને આવે તો હવે નોટરી કરાવી આવો પછી ફરિયાદ થાય તેમ કહી ધક્કા ખવડાવે છે. પોલીસ આ રીતે માત્ર અરજી લે છે. આરોપીઓ સુધી પહોંચવા માટે નંબર આપવા છતાં પોલીસે ત્યારે ફરિયાદ લેવાની જગ્યાએ 15 દિવસ બાદ ફરિયાદ નોંધી હતી.
http://sambhaavnews.com/

You might also like