અપહૃત સગીરાના માતા-પિતા આઠ મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે!

અમદાવાદ: મોબાઇલ લોકેશનના આધારે આરોપીઓને પકડવાનું પોલીસ માટે આસાન બની ગયું છે ત્યારે બીજી બાજુ પોલીસ છેલ્લા 8 મહિનાથી અપહૃત સગીરા અને તેના અપહરણકર્તાને શોધવામાં નિષ્ફળ નિવડી છે અથવા તો પોલીસને તપાસ કરવામાં રસ નથી. ઉલ્લેખનીય છે કે સગીરા અવારનવાર તેના પરિવારને ફોન કરીને તેના પર અત્યાચાર ગુજારાતો હોવાની ફરિયાદ કરે છે. આ નંબર આપવા છતાં પોલીસ કોઈ પગલાં ભરતી ન હોવાનો આક્ષેપ સગીરાનાં પરિવારજનો કરી રહ્યાં છે.

અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલા સનાથલ ગામમાં રહેતા પરિવારના સભ્યો છેલ્લા 8 મહિનાથી અપહરણકારની ચુંગાલમાંથી પોતાની દીકરીને છુટકારો અપાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સનથલ ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાનું દિવાળીના દિવસે અપહરણ થયું હતું, જેમાં ચાંગોદર પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસની પ્રાથ‌િમક તપાસમાં ગાંધીનગર પાસે આવેલા બોરુ ગામમાં રહેતો મહેશ ઠાકોર નામનો યુવક હ‌િથયાર બતાવી અપહરણ કરીને લઇ ગયાે હોવાનું સામે આવ્યું હતું. સગીરાનાં માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 8 મહિનાથી મારી દીકરીને પરત લાવવા માટે અમે પોલીસ સ્ટેશન તથા ઉચ્ચ અધિકારીઓની ઓફિસના ધક્કા ખાઇ રહ્યા છે તેમ છતાંય પોલીસ કોઇ કાર્યવાહી નથી કરતી. છેલ્લા ઘણા સમયથી અમારી દીકરી જ્યારે પણ તક મળે ત્યારે અમને ફોન કરે છે અને આરોપીઓ મારઝૂડ કરીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારે છે તેવી ફરિયાદ કરી રહી છે.

આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.દેસાઇએ જણાવ્યું છે કે અમે તપાસ ચાલુ કરી દીધી છે. તેમની કોલ્સ ડીટેઇલ્સ મંગાવી છે ત્યારે તેમનું મોબાઇલ લોકેશન પણ ક્યારેક અમદાવાદનું તો ક્યારે ગાંધીનગરનું આવી રહ્યું છે. અમે જલદીથી તેને પકડી પાડીશું ત્યારે અમદાવાદ સુરતના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું છે કે સગીરા ગુમ થવા મુદ્દે ચાંગોદર પોલીસને યોગ્ય તપાસ કરવાના આદેશ આપી દઉં છું અને હું પણ કેસમાં હકીકત શું છે તે તપાસ કરી લઉં છું.

You might also like