હવે મોબાઈલ કંટ્રોલરૂમ દ્વારા અાતંકી સમર્થકો પર નજર રાખશે

શ્રીનગર: જૂથ અથડામણ દરમિયાન સ્થાનિક ગ્રામીણો અને અાતંકવાદી સમર્થકો દ્વારા પથ્થરમારાની વધતી ઘટનાઅોથી સુરક્ષાદળો સામે સંકટ ઊભું થઈ રહ્યું છે. અાતંકવાદીઅો પણ તેમની પકડમાંથી ભાગી જવામાં સફળ થઈ રહ્યા છે, પરંતુ હવે અામ નહીં થાય. જ્યાં અથડામણ થશે ત્યાં મોબાઈલ કંટ્રોલરૂમ સમગ્ર સ્થિતિ પર નજર રાખશે.
સુરક્ષા સિમિતની ૧૫ ફેબ્રુઅારીઅે થયેલી બેઠકમાં રણનીતિને અંતિમ રૂપ અપાયું. રણનીતિ મુજબ મોબાઈલ કંટ્રોલરૂમ બખ્તરવાળી ગાડીમાં હશે, જેથી તમામ વ્યક્તિઅો સાથે સમન્વય કરી શકાય.

જમ્મુ-કાશ્મીરમાં તમામ જિલ્લા અધિકારીઅોને અે વાતની જવાબદારી સોંપાઈ છે કે તેઅો અથડામણનાં સ્થળોની અાસપાસ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની ભીડ એકઠી ન થવા દે. પોલીસે અાતંકવાદીઅોને અોવરગ્રાઉન્ડ વર્કર પર નિશાન ટાકતાં અે લોકોને અલગ કરવાનું શરૂ કરી દીધું છે, જે અથડામણના સમયે ગ્રામીણોને અાતંકવાદીઅોની રમત માટે ઉશ્કેરતા હોય છે અને સુરક્ષાદળો વિરુદ્ધ દીવાલ બનવા તૈયાર રહે છે.

અા કંટ્રોલરૂમનો મુખ્ય હેતુ અેવા પથ્થરબાજ પર નિશાન તાકવાનો અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો છે, જેઅો પથ્થરમારો કરતા હોય છે. સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કાયદાકીય વ્યવસ્થા જાળવવામાં પણ અાવશે. નવી રણનીતિનાં અન્ય બિંદુઅોમાં નક્કી કરાયું છે કે કોઈ પણ જગ્યાઅે અાતંકવાદી વિરુદ્ધ ત્યારે જ અભિયાન ચલાવવામાં અાવશે જ્યારે ત્યાં તેમની હાજરીની પાકી ખાતરી હોય. અા ઉપરાંત અભિયાન શક્ય હોય ત્યાં સુધી અંધારું થતાં જ શરૂ કરવામાં અાવશે અને સવારે સૂરજ ઊગતાં પહેલાં સમાપ્ત કરવામાં અાવશે. અા કારણે ગ્રામીણોને અથડામણના સ્થળે એકઠા થવાનો મોકો નહીં મળી શકે અને અાતંકીઅો ભાગી પણ નહીં શકે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અહીં જ્યાં પણ અાતંકવાદી ફસાય છે ત્યાં લોકો ભેગા થઈને ઉત્તેજક નારા લગાવતાં સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કરી દે છે. અાવી પરિસ્થિતિમાં સુરક્ષાદળોને નુકસાન થાય છે તેમજ ઘણીવાર ગ્રામીણો પ્રત્યે બળપ્રયોગ પણ કરવો પડે છે અને કાયદાકીય વ્યવસ્થા માટે પણ સંકટ ઊભું થાય છે.
http://sambhaavnews.com/

You might also like