મોબાઇલ કંપનીઓએ છેલ્લાં ચાર વર્ષથી પ્રોપર્ટી ટેક્સ ભર્યો નથી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની મોટા ડિફોલ્ટરો પ્રત્યે ઢીલી નીતિના કારણે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭નો રૂ.૮પ૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ આવકનો લક્ષ્યાંક મેળવવો અઘરો બનવાનો છે. માર્ચ એન્ડિંગના છેલ્લા પાંચ દિવસ બાકી રહ્યા છે તેમ છતાં તંત્રની તિજોરીમાં હજુ રૂ.૮૦૦ કરોડ પણ જમા થયા નથી. કોર્પોરેશનની આવી કફોડી હાલતમાં મોબાઇલ કંપનીઓએ છેલ્લાં ચાર વર્ષથી પ્રોપર્ટી ટેક્સ ભર્યાે ન હોવાનું જાણવા મળ્યું છે. શહેરભરમાં મોબાઇલ કંપનીઓના હજારથી વધારે ટાવર છે.

કોર્પોરેશનને ગત તા.ર૪ માર્ચની સ્થિતિએ પ્રોપર્ટી ટેક્સમાં કુલ રૂ.૭૮૬.૮૯ કરોડ આવક થઇ હતી, જે ગત નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬ની રૂ.૭પપ.૩૩ કરોડની આવકની તુલનામાં આંકડાકીય દૃષ્ટિએ વધુ છે, પરંતુ હજુ ચાલુ વર્ષનો લક્ષ્યાંક દૂર જ રહ્યો છે. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં પણ હજુ સુધી રૂ.પ૬.ર૯ કરોડનો ટેક્સ જમા થયો છે. તેમ છતાં હજુ સુધી સત્તાવાળાઓએ મોટા ડિફોલ્ટર પાસેથી કડકાઇપૂર્વક ટેક્સ વસૂલાત આરંભી નથી.

જ્યાં સુધી મોબાઇલ કંપનીઓના પ્રોપર્ટી ટેક્સનો પ્રશ્ન છે તો આ કંપનીઓનો રૂ.૧૧ કરોડનો પ્રોપર્ટી ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલે છે. જે તે કંપનીના ટાવરની જમીનના કારપેટ એરિયા મુજબ પ્રોપર્ટી ટેક્સની ગણતરી કરાય છે, જે સામાન્ય રીતે પ્રતિવર્ષ રૂ.૮ થી ૧૦ હજારથી લઇને રૂ.પ૦ હજાર સુધીનો થાય છે.

પ્રોપર્ટી ટેક્સની વસૂલી સામે મોબાઇલ કંપનીઓ વર્ષ ર૦૦૧માં હાઇકોર્ટમાં ગઇ હતી. જ્યાં આ કંપનીઓ હારી જતાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર અને કોર્પોરેશનના કાયદા મુજબ પ્રોપર્ટી ટેક્સ લઇ શકાય તેવા ચુકાદાની વિરુદ્ધમાં મોબાઇલ કંપનીઓએ ગત તા.૭ માર્ચે ફરીથી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાદ માગી છે. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

http://sambhaavnews.com/

You might also like