ડિજિટલ ખેડાણમાં કૃષિ યુનિવર્સિટીઓ કેટલે?

મોબાઇલ એપ્લિકેશને જીવન ઘણું સરળ કરી નાખ્યું છે. રિક્ષા ભાડે કરવી હોય કે હોટેલમાંથી ટિફિન મગાવવું હોય એક ક્લિક પર કામ થઈ જાય છે. આજકાલ શાકભાજીની દુકાન ધરાવતો માણસ પણ પોતાની મોબાઇલ એપ્લિકેશન બનાવીને બિઝનેસ કરે છે ત્યારે ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોને ઉપયોગી મોબાઇલ એપ્સ બનાવવા પ્રત્યે કૃષિ યુનિવર્સિટીઓ કેટલી સજાગ છે?

કૃષિ આ દેશનો આત્મા છે. કૃષિ ક્ષેત્રે ઘણી નવી ટેક્નોલોજી અને બદલાવ આવી રહ્યા છે. ખેડૂતોને વર્તમાન સંશોધનો અને હકીકતોથી વાકેફ કરવાનું એક મહત્ત્વનું માધ્યમ મોબાઇલ એપ્લિકેશન છે. તે બહુ મોંઘી પણ નથી. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, નવસારી, જૂનાગઢ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ આ ક્ષેત્રે કેવુંક ખેડાણ કર્યું છે અને ખેડૂતો માટે કેટલી માહિતી ઉપલબ્ધ કરાવી છે તે જાણીએ.

આણંદ યુનિવર્સિટીએ ૧૦૮ ઍપ તૈયાર કરી
આણંદ કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો આ યુનિવર્સિટી દ્વારા તેમના વિસ્તારના ખેડૂતો માટે વિવિધ એપ્સ બનાવી છે. ધાન્ય પાકોમાં બાજરાની ચોમાસુ ખેતી પદ્ધતિ, શિયાળુ મકાઈ, ડાંગર, ચોમાસુ મકાઈ, દેશી કપાસ, જુવાર પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ધાન્ય વર્ગના વિવિધ પાકોની માહિતી, જૈવિક ખાતરોઃ ઉપયોગ અને ફાયદા, મગફળીમાં આફલાટોક્સિનનું નિયંત્રણ, શ્રી-ડાંગરની સંકલિત ખેતી પદ્ધતિ, ઘઉં  પાકમાં ઉધઈના નિયંત્રણની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, તુવેરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, નાગલી, ઘઉં પાકના સમયસરના વાવેતરની ખેતી, ઘઉં પાકના મોડા વાવેતરની ખેતી પદ્ધતિના ચાવીરૂપ મુદ્દા, બિનપિયત ઘઉં પાકના વાવેતરની ખેતી પદ્ધતિના ચાવીરૂપ મુદ્દાઓ, તેલીબિયાં પાકોમાં મગફળી, દિવેલા, રાઈ, ઉનાળુ તલની ખેતી, કપાસમાં મીલીબગ (ચિકટો), કપાસની રોગ નિયંત્રણ પદ્ધતિ, ચોમાસુ મગફળીમાં પ્રમાણિત બીજ ઉત્પાદન, દિવેલાની આધુનિક ખેતી પદ્ધતિ. કઠોળ પાકોમાં મગ, ચણા, કઠોળ-ચોળા, તુવેર. ફળોમાં આંબાવાડીનું નવિનીકરણ, કેળ, નાળિયેર, તરબૂચ, પપૈયાં વગેરેની એપ્સ બનાવવામાં આવી છે.

મોબાઇલ એપ્લિકેશનમાં સમાવવામાં આવતી માહિતી ઉપર નજર ફેરવીએ તો, મોબાઇલ એપ્લિકેશન ‘કેળ’માં આ એપમાં પાકની અગત્ય, જમીન અને આબોહવા, પ્રચલિત જાતો, વાવણી સમય અને પદ્ધતિ, ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન, ખેતીકાર્યો, રોગ અને જીવાત વ્યવસ્થાપન, આંતરપાક, ઉત્પાદન અને સંગ્રહવ્યવસ્થા વગેરે વિભાગો છે. જૈવિક ખાતર એપ.૧૦૦૦ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશનમાં જૈવિક ખાતરના પ્રકાર, આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્ય, પ્રવાહી જૈવિક ખાતરની વિશિષ્ટતા, પ્રવાહી જૈવિક ખાતર વાપરવાની રીત, લેબ ટુ લેન્ડ અને કૃષિ કિટ સપ્લાય વિભાગો છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના ડાયરેક્ટર ધવલ કથીરિયા કહે છે, “આણંદ કૃષિ યુનિવર્સિટીએ કુલ ૧૦૮ મોબાઇલ એપ્લિકેશનો બનાવી છે અને આ મોબાઇલ એપ્લિકેશન્સ ગુજરાત સરકારના આઇ-ખેડૂત પોર્ટલમાં મૂકવામાં આવી છે. તત્કાલીન એગ્રીકલ્ચર સેક્રેટરી રાજકુમાર સાહેબે ગુજરાત સરકારના આઈ-ખેડૂત પોર્ટલ માટે ૨૦૦૪માં સોંપેલી જવાબદારીના ભાગ રૂપે અમે આ મોબાઇલ એપ્લિકેશન બનાવી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીની મોબાઇલ એપ્લિકેશન્સમાં સૌથી વધુ પ્રતિભાવ કપાસની એપ્લિકેશનોમાં મળ્યો છે.

કોઈ દવા બદલાય કે નવો રોગચાળો આવે ત્યારે તેની માહિતી યુનિવર્સિટી નિયમિત સમયે અપડેટ કરતી રહે છે અને સમયાંતરે અમે મોબાઇલ એપ્લિકેશન અપડેટ કરતા રહીએ છીએ. નવો રોગચાળો કે જે પાકની એપ ન બની હોય તેવા પાકની એપ બનાવવા માટેની વિનંતિ ખેડૂતો અમને ઈ-મેઇલથી લખી મોકલે છે. અમારાં પ્રમાણિત બિયારણ ક્યાંથી મળે તેની માહિતી ઘણા ખેડૂતો પાસે નહોતી તેની ફરિયાદના પગલે અમે આણંદ કૃષિ યુનિવર્સિટીનાં તમામ બિયારણ કેન્દ્રોની એક અલગ બનાવીને મૂકી છે.”

કન્ઝ્યુમર ફિડબેકનો અભાવ
કોઈ પણ વેબસાઇટમાં કસ્ટમર કેર(ગ્રાહક સેવા)નો અલાયદો વિભાગ હોય છે. જોકે એ અહીં સૌથી નબળી ને ખૂટતી કડી છે. ગ્રાહકને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો આ વિભાગમાં આપેલી પ્રશ્નોત્તરીમાંથી સમાધાન મેળવી શકે. જો ત્યાંથી પણ સમાધાન ન મળે તો મોટેભાગે ટોલ ફ્રી કસ્ટમર કેર નંબર પર ફોન કરીને સમાધાન મેળવી શકે. આણંદ કૃષિ યુનિવર્સિટીની એક પણ મોબાઇલ એપ્લિકેશનમાં ખેડૂતને વધારાના પ્રશ્નો ઉદ્ભવે તો શું કરવું તેનું માર્ગદર્શન નથી અપાયું કે ન તો યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકનો લેન્ડલાઇન કે મોબાઇલ નંબર આપવામાં આવ્યો છે.

મોબાઇલ એપ્સમાં કમ્યુનિકેશન દ્વિમાર્ગી થવું જોઈએ. આવા એકમાર્ગીય કમ્યુનિકેશનથી ખેડૂતોનાં મૂલ્યવાન સૂચનોથી યુનિવર્સિટી વંચિત રહી જાય છે અને સક્ષમ માધ્યમ હોવા છતાં ખેડૂતની સમસ્યા વણઉકેલાયેલી રહી જાય છે. એ તે કેવું વિચિત્ર કે આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર ‘ખેડૂતમિત્રો માટે’ નામે અલાયદી કૉલમ મૂકવામાં આવી છે. તેમાં ‘પ્રશ્નો અમોને મોકલો’ વિભાગમાં ખેડૂત યુનિવર્સિટીને પ્રશ્નો મોકલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણાં ખેડૂતો પાસે મોબાઇલ છે, પરંતુ ખેડૂતો લેપટોપ કે કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા હોય એવું આપણા સાંભળવામાં આવ્યું નથી. હા, ઘણાબધા ખેડૂતો એન્ડ્રોઇડ ફોન રાખતા થયા છે. તો ‘પ્રશ્નો અમોને કહો’ એવો વિભાગ મોબાઇલ એપ્સમાં હોવો જોઈએ.

કૃષિ મહોત્સવોમાં કે કૃષિ વિભાગના અન્ય સરકારી સમારંભોમાં મોબાઇલ એપ્લિકેશન્સનો પ્રચાર કરાતો નથી. હવે સમૃદ્ધિ આવવાથી નહીં પણ અન્ય કારણોથી સીમાંત ખેડૂતો પણ એન્ડ્રોઇડ ફોન વાપરતા થયા છે ત્યારે યોગ્ય પ્રચાર કરવામાં આવે તો આ એપ્લિકેશન્સ તેઓ વધુ વાપરતા થાય. મગફળીની એપ વાપરતા ભરત જુંજિયા અને રામદે મોઢવાડિયા કહે છે કે, “એપ સારી છે પણ બધી એપ્સ ભેગી કરીને તેને એક જ એપમાં આવરી લેવી જોઈએ. જેથી ખેડૂતોને એક જ એપ ડાઉનલોડ કરતા તમામ પાકની અને અન્ય તમામ જરૂરી માહિતી એક જ સ્થળેથી મળી રહે.”

‘રનર-અપ’ ઍપને વિજેતા બનાવવામાં નવસારી યુનિવર્સિટી ઉદાસીન
નવસારી કૃષિ યુનિવર્સિટીએ મે ૨૦૧૪માં એક જ મોબાઇલ એપ ‘કિસાન મિત્ર’ બનાવીને તેમાં યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર વિસ્તારના ખેડૂતોને લગતી બધી માહિતી સમાવી લીધી છે. આ એપમાં ખેતી, બાગાયત, પશુપાલનને લગતી માહિતી જેવી કે ખેડ, બિયારણ, સિંચાઈ, ખાતર, રોગ, જીવાત, નીંદામણ વગેરે, પશુપાલન ક્ષેત્રે ઓલાદો, પોષણ, રોગો, રસીકરણ, રહેઠાણ, સંવર્ધન અને પ્રજનન વિશેનું માર્ગદર્શન અપાયું છે. એપમાં ખેડૂતોની રોજબરોજની ખેતીલક્ષી મુશ્કેલીઓને પ્રશ્નોત્તરી સ્વરૂપે સમાવવામાં આવી છે. નવીનતમ માહિતીઓમાં જૈવિક ખાતર, આંબામાં નવિનીકરણ, ફળમાખીની ટ્રેપ, ડાંગરની શ્રી પદ્ધતિને આ એપમાં સમાવાઈ છે. આ એપને માત્ર ડાઉનલોડ કરતી વખતે ઈન્ટરનેટ સુવિધાની જરૂર રહે છે. ત્યારબાદ એપ્સમાંથી માહિતી મેળવતી વખતે ઈન્ટરનેટ સુવિધાની જરૂર રહેતી નથી.

આ એપ ૨૬,૮૮૧ વખત(૧૯ જૂન ૨૦૧૬ સુધી) ડાઉનલોડ થઈ છે અને ૬૦૫ યુઝર્સ દ્વારા તેને સરેરાશ ૪.૪૮નું રેટિંગ મળ્યું છે. એપ એમ્બિલિયન્થ ઍવોર્ડ સાઉથ એશિયા ૨૦૧૫માં એગ્રિકલ્ચર એન્ડ ઇકોલોજી કેટેગરીમાં રનર્સ-અપ રહી હતી.

આ એપની એક બહુ મોટી નબળી બાજુ પણ છે. આ એપને લૉન્ચ કરવામાં આવી ત્યારે યુનિવર્સિટીએ એમ કહ્યું હતું કે “આ એપ્સને દર બે મહિનાના સમયગાળે નવીનતમ માહિતીથી અપડેટ કરાશે. જેથી કિસાન મિત્રોને દરેક પળે નવીનતમ વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતગાર કરી શકાય. અન્ય વિસ્તારમાં થતાં નવીનતમ સંશોધનોને ગુજરાતના ખેડૂત મિત્રો સુધી પહોંચાડાશે.”

પરંતુ અફસોસ કે આ એપ લોન્ચ થઈ તે વાતને બે વર્ષ કરતાં વધુ સમય થયો છે છતાં જાણે કે રનર-અપ રહેલી એપને ફરી વાર સ્પર્ધામાં મૂકીને વિજેતા જાહેર કરવા ઇચ્છા ન ધરાવતાં હોય તેમ તેને આજદિન પર્યંત યુનિવર્સિટીએ એક પણ વાર અપડેટ કરી નથી. નવસારી કૃષિ યુનિવર્સિટીના આઈટી વિભાગના વડા બંકિમ રાદડિયા કહે છે, “અમે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ પાસે મદદ માગી છે. અમારાં કૃષિવિજ્ઞાન કેન્દ્રો પર તાલીમ લેવા આવતા ખેડૂતો એપની પ્રશંસા પણ કરે છે અને સુધારાવધારા પણ સૂચવે છે. બે વર્ષ જૂની માહિતીને અપડેટ કરવાનું અમારી વિચારણામાં છે.”

નવસારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી મોબાઇલ એપ્લિકેશન સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે નકામી છે, કેમ કે તે એપ્લિકેશનોમાં તે વિસ્તારની ખેતી અને જમીનને અનુરૂપ સમસ્યા અને સમાધાનો આપવામાં આવ્યાં છે.

ઍપમાં જૂનાગઢ યુનિવર્સિટી હજુ પણ પછાત
આગળ વધીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફ. આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે એટલે સહજ અપેક્ષા રહે છે કે આ યુનિવર્સિટીની સમૃદ્ધ મોબાઇલ એપ હશે. યુનિવર્સિટીની આખી વેબસાઇટ ફેંદી વળ્યા પણ ક્યાંય મોબાઇલ એપ્લિકેશનના અણસાર દેખાયા નહીં. આવું કેમ? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના ડીન એન.કે.ગોન્ટિયા કહે છે, “અમે મોબાઇલ એપ્લિકેશન નથી બનાવી પણ અમે મેસેજથી ખેડૂતો સાથે સંપર્ક કરીએ છીએ.

જે તે વિસ્તારના ખેડૂતને તે વિસ્તારની સમસ્યાઓનું સમાધાન મોબાઇલ મેસેજથી આપીએ છીએ. મોબાઇલ એપ્લિકેશન બનાવવા માટે હું મારા ફોરમમાં વાત કરીશ. મોબાઇલ એપ્લિકેશન જરૂરી છે અને તે કરવું પણ પડશે. અમે વેબસાઇટ ઉપર બધી માહિતી મૂકીએ જ છીએ જોકે વેબસાઇટ કરતાં મોબાઇલ એપ સારું માધ્યમ છે એ હું સ્વીકારું છું.”

ઍપ તૈયાર કરવી અમારા માટે મુશ્કેલ કામ
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પાસે પણ આવી કોઈ મોબાઇલ એપ્લિકેશન નથી. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અશોક પટેલ પોતાની અને મોબાઇલ એપ્લિકેશન બંનેની વિડંબણાઓ ગણાવે છે. તેઓ કહે છે, “મોબાઇલ એપ્લિકેશન કૃષિમાં ફંક્શનલ ન થઈ શકે, કેમ કે મોબાઇલ એપ્લિકેશનના સ્ટેટિક ડેટા કૃષિમાં રોજેરોજ બદલાતા રહે છે. આજે વરસાદ આવે એટલે કાલની જરૂરિયાતો બદલાઈ જાય. અમારા માટે ત્રણેય યુનિવર્સિટીમાં આઇટીના ડાયરેક્ટર અને ટીમની નિમણૂક થયેલી છે જે અમારી પાસે નથી.

આઉટસોર્સ કરીને આવી મોબાઇલ એપ તૈયાર કરીએ તો અપડેટ કરવા માટે અમારે વારેવારે બહારથી મદદ લેવી પડે એટલે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવી અમારા માટે મુશ્કેલ કામ છે. અમારા ઉત્તર ગુજરાતની ખેતીમાં બહુ વિવિધતા છે. અરવલ્લીનો ખેડૂત, ગાંધીનગર-મહેસાણાનો ખેડૂત, કચ્છના ખેડૂતની પાકની પદ્ધતિની વૈવિધ્યતા બહુ છે. એટલે મોબાઇલ એપ્લિકેશન અમારા વિસ્તારમાં બહુ ઉપયોગી પણ નથી અને અમારી પાસે આઈટીની ટીમ પણ નથી.

માહિતીને ખેડૂતો સુધી પહોંચાડવાનું મુખ્ય કાર્ય રાજ્ય કૃષિ વિભાગનું છે. અમે નિયમિત રીતે તેમને માહિતી પહોંચતી કરીએ છીએ. અમારી જવાબદારી વખતોવખત રાજ્ય સરકારને માહિતી પહોંચાડવાની છે તે અમે કરતા રહીએ છીએ. અમારી માહિતી કૃષિભવનમાં રહેલી આત્મા(એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી) કચેરીના માધ્યમથી એસએમએસ દ્વારા લોકો સુધી પહોંચે છે. સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરવાની વાત આત્મા દ્વારા વર્ષોથી ચાલે છે. પાંચ વર્ષ પહેલાં આત્મામાં ફુલફ્લેજ્ડ સ્ટાફ સાથે એક આખું યુનિટ ઊભું પણ કરાયું છે.”

મોદી સરકારના આ વર્ષના બજેટમાં
કૃષિ કેન્દ્રમાં છે. સરકાર કૃષિ વિકાસ માટે અબજો રૂપિયાનું બજેટ વાપરે છે. આજે સાદી મોબાઇલ એપ્લિકેશન બનાવવી સહેજેય ખર્ચાળ નથી. ખેડૂતો પણ હવે સ્માર્ટફોન અપનાવી રહ્યા છે અને દુનિયા સાથે કનેક્ટ થઈ રહ્યા છે. છતાં સરકારનો કૃષિ વિભાગ આવી મોબાઇલ એપ્સ કેમ નથી બનાવતો અને જે બનાવે છે તે નિયમિત અપડેટ કેમ નથી કરતી તે સમજાતું નથી. કદાચ કૃષિ વિભાગ આ ક્ષેત્રે ખેડાણ કરીને સમૃદ્ધિ ન પણ ઇચ્છતો હોય.

હિંમત કાતરિયા

You might also like