મોબાઈલ એપથી ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખસની ધરપકડ

અમદાવાદ: આઇપીએલ ક્રિકેટ લીગની સિઝનમાં અંદાજે ૨૦૦ કરોડથી વધુનો સટ્ટો ગુજરાતમાં રમાઇ રહ્યો છે ત્યારે આવા સટોડિયાને ઝડપવા પોલીસે કમર કસી છે. મકાન ભાડે રાખી તથા હોટલમાં રૂમ ભાડે રાખીને સટોડિયા સટ્ટો રમતા હોય છે, પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બોપલના પાન પાર્લરમાં ક્રિકેટ લાઇવ લાઇન નામની એપ્લિકેશન પરથી ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખસની ધરપકડ કરી છે. પોલીસે રોકડ રૂ. ૩,૦૦૦, ત્રણ મોબાઇલ, ટીવી અને સટ્ટાના હિસાબની ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક આરોપીને ફરાર દર્શાવાયો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે બોપલ વિસ્તારમાં આવેલા હેનીલ પાન પાર્લરમાં કેટલાક શખસ આઇપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે, જેના આધારે પોલીસે પાર્લર પર દરોડો પાડતાં સંજય ઉર્ફે કાળુ ભગાજી વાઘેલા (ઠાકોર) (રહે. નાનો ઠાકોરવાસ, ઘુમા), અને જિતુ વિઠ્ઠલભાઇ પટેલ (રહે. અભિષેક સોસાયટી)ને ઝડપી લીધા હતા. પોલીસને ત્રણ જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા હતા, જેમાંથી એક ફોનમાં લાઇવ લાઇન એપ્લિકેશન ચાલુ હતી. ઉપરાંત સટ્ટાના હિસાબની ડાયરી, રોકડા રૂપિયા અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. વિનોદજી પ્રભાતજી ઠાકોર નામનો યુવક આ સટ્ટો લખતો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પોલીસે હાલ બંનેની ધરપકડ કરી ફરાર આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like