ખંડણીના અાક્ષેપ અંગે ત્રણ દિવસ પછી ખુલાસો કરીશઃ નલીન કોટડિયા

અમદાવાદ: વસ્ત્રાપુરના બિલ્ડર મધુભાઈ પટેલ સાથે મારામારી કરવાના મામલે ભાજપના ધારાસભ્ય ન‌િલન કોટડિયાએ જણાવ્યું હતું કે મેં કોઈ મારામારી નથી કરી, તેમને સમજાવ્યા હતા છતાં તે ન સમજ્યા અને પાટીદાર સમાજ માટે ભિખારી જેવા શબ્દો કહેતાં તેમનો કાંઠલો પકડ્યો હોવાનું કોટડિયાએ જણાવ્યું હતું. ધારીના ભાજપના ધારાસભ્ય ન‌િલન કોટડિયાએ અમદાવાદના બિલ્ડર મધુભાઈ પટેલ પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માગી હોવાની ઘટનાથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

શહેરના વસ્ત્રાપુરના બિલ્ડર મધુભાઈ પટેલની ઑફિસમાં મંગળવારે રાતે કોટડિયાએ મારામારી કરી ખંડણી માગી હોવાની ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. અા મામલે ગઈ કાલે બુધવારે મોડી સાંજે આ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં અાવી છે.
કોટડિયાએ કહ્યું હતું કે મેં કોઈ મારામારી કરી નથી અને મેં કોઈ પૈસા માગ્યા નથી. મને તેમની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને હું તેમને મળવા ગયો હતો.

તેમના દ્વારા મને અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ને પાટીદાર આંદોલનમાંથી ખસી જવા માટે રૂ.ર૦ કરોડની ઓફર કરવામાં આવી હતી. જે અંગે તેમને બે કલાક સુધી સમજાવ્યા હતા. તેમ છતાં તેઅો સમજતા ન હતા એટલું જ નહીં તેઅોએ પાટીદાર સમાજ વિશે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી તેમજ તેમણે પાટીદાર સમાજ માટે ભિખારી જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેના કારણે બોલાચાલી થઈ હતી. મેં તેમની સાથે કોઈ મારામારી કરી નથી, માત્ર તેમનો કાંઠલો પકડ્યો હતો. આ અંગે તમે મધુભાઇની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરાવી શકો છો. અા મામલે હું બે-ત્રણ દિવસ પછી પત્રકાર પરિષદ યોજીને અાખી ઘટનાને જાહેર કરીશ.

You might also like