ધારાસભ્યો હવે બાંકડા માટે આડેધડ ગ્રાન્ટ નહીં ફાળવી શકે

અમદાવાદ: શહેરમાં બગીચા, સોસાયટીઓના કોમન પ્લોટ કે મંદિર સહિતનાં જાહેર સ્થળોએ બાંકડાની ફાળવણી માટે ગ્રાન્ટમાંથી આડેધડ ખર્ચ કરતા ધારાસભ્યો પર રાજ્ય સરકારે બ્રેક લગાવી છે. ધારાસભ્યની ગ્રાન્ટમાં નિયંત્રણો મુકાયાં છે. ધારાસભ્ય દ્વારા જાહેરમાં મુકાતા બાંકડાઓ પર પોતાનાં નામ મૂકવામાં આવે છે, જેની પાછળ તેમને મળતી ગ્રાન્ટ અન્વયે મોટો ખર્ચ કરાય છે. ધારાસભ્યને ગ્રાન્ટમાં મળતી નવી છૂટછાટ મુજબ તેમણે હવે સીસીટીવી કેમેરા લગાવવા કે હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સહિતનાં સાધનો માટે કે અન્ય પ્રજાલક્ષી હેતુ અને કાર્ય માટે ૯૦ ટકા ગ્રાન્ટ ફાળવણી કરવી પડશે અને બાંકડાઅોના ખર્ચ પર કાપ મૂકવો પડશે.

દર વર્ષે દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ પ્રજાના કામ કરવા માટે ફાળવવામાં આવે છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ધારાસભ્યો તેમની ગ્રાન્ટના ૩૦થી ૩પ લાખ માત્ર બાંકડા પાછળ ખર્ચતા હોય છે. બાંકડાઅો પર નામ મુકાતું હોવાથી ધારાસભ્યો મોટા ભાગની ગ્રાન્ટ બાંકડાઓ પાછળ ખર્ચી નાખતા હતા.

જાહેર સ્થળોએ સીસીટીવી કેમરા માટે હવે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ ફાળવી શકશે. અત્યાર સુધી સીસીટીવી માટે ગ્રાન્ટ ફાળવવાની કોઇ જોગવાઇ નહોતી એટલું જ નહીં, દિવ્યાંગોની સગવડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ફિઝિયોથેરાપી માટેનાં સાધનો માટે પણ ધારાસભ્ય ગ્રાન્ટની ફાળવણી કરી શકશે. હોસ્પિટલમાં સાધનોના અભાવે દિવ્યાંગોને પડતી મુશ્કેલી નિવારવા માટે જરૂરી કસરતનાં સાધનો માટે પણ ધારાસભ્ય ગ્રાન્ટની ફાળવણી કરશે.

આ અંગે અમદાવાદના ધારાસભ્ય કિશોરભાઇ ચૌહાણે કહ્યું હતું કે બાંકડાઓ માટે મર્યાદિત ગ્રાન્ટ જ ફાળવીને અન્ય વિકાસલક્ષી પ્રજાહેતુ કાર્યો માટે ગ્રાન્ટ વાપરવાની છૂટ આપવામાં આવી છે. સીસીટીવી કેમેરા તેમજ ફિઝિયોથેરાપીનાં સાધનો માટે ગ્રાન્ટનું પ્રમાણ વધારીશું. ચાલુ નાણાકીય વર્ષમાં જે ધારાસભ્યોની બાંકડા પાછળની ગ્રાન્ટ ૧૦ લાખ કે તેથી વધારે વપરાઇ હશે તેમણે હવે બાંકડા ફાળવવાનો ખર્ચ બંધ કરીને અન્ય હેતુ માટે બાકીની ગ્રાન્ટની ફાળવણી કરવી પડશે.
http://sambhaavnews.com/

You might also like