ધારાસભ્ય-કોર્પોરેટરનો હોલ-પાર્ટી પ્લોટ બુકિંગનો ‘ક્વોટા’ રદ કરાશે

અમદાવાદ: શહેરના નવા શાસકો દ્વારા મ્યુનિસિપલ સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, પિક‌િનક હાઉસ અને ઓપન એર થિયેટર વગેરેના બુકિંગમાં ધારાસભ્ય-કોર્પોરેટર તરીકેનો વિશેષાધિકાર મેળવીને નાગરિકો સાથે હળાહળ અન્યાય કરીને અમલમાં મુકાયેલી ‘ક્વોટા’ સિસ્ટમને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

હવે પછી શહેરના તમામ ધારાસભ્ય અને કોર્પોરેટરને સામાન્ય નાગરિકની જેમ જે તે હોલ-પાર્ટી પ્લોટ તેનું બુકિંગ કરાવ્યા બાદ થતા ડ્રોના આધારે જ મળશે.

મ્યુનિસિપલ સંચાલિત કોમ્યુનિટી હોલ, પિક‌િનક હાઉસ અને ઓપન એર થિયેટર તેમજ પાર્ટી પ્લોટ વગેરેનું પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીપીએમસી એક્ટમાં જોગવાઇ ન હોવા છતાં વિશેષ અધિકાર મેળવીને એક-એક વર્ષ અગાઉથી ખાસ બુકિંગ કરાવતા હતા.

સામાન્ય નાગરિક માટે છેક ર૦૦૯થી ઓનલાઇન બુકિંગ સિસ્ટમ ફર‌િજયાત કરાઇ છે અને જો અનિવાર્ય કારણસર બુકિંગ રદ કરાવવું હોય તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીમાં વધુ એક વખત તાકીદનો ઠરાવ પસાર કરીને બુકિંગની તારીખ-જગ્યા વગેરેમાં ફેરફાર તેમજ તેને રદ પણ કરાવતા હતા.

નાગરિકો સાથે અન્યાય કરનારી આ બાબતનો પડઘો છેક હાઇકોર્ટમાં પડતાં આ અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જૂના ખાસ બુકિંગના ઠરાવને રદ કરવાની પણ હાઇકોર્ટે સત્તાવાળાઓને તાકીદ કરી હતી.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, ધારાસભ્ય અને કોર્પોરેટરનાં જૂનાં બુકિંગ તો રદ નહીં કરાય, તે તો યથાવત્ રહેશે, પરંતુ દર વર્ષે બે હોલ કે પાર્ટી પ્લોટ ફાળવવાની પક્ષની ની‌િત હવે પછી અમલમાં મુકાશે નહીં, જોકે આ મામલો કોર્ટ આધીન હોઇ તેમાં વિશેષ ટિપ્પણી કરવી નથી.

You might also like