મિશેલની આખી રાત આકરી પૂછપરછ: અનેક મોટાં માથાંનાં નામ બહાર આવે તેવી શક્યતા

નવી દિલ્હી: અગસ્તા-વેસ્ટલેન્ડ કૌભાંડનો વચેટિયો ક્રિશ્ચિયન મિશેલ ભારત આવ્યા બાદ ફ્કત બે કલાક ઊંઘી શક્યો છે, કેમ કે તપાસ એજન્સી સીબીઆઈના અધિકારીઓએ આખી રાત તેની સઘન પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈથી ભારત લાવ્યા બાદ પ૭ વર્ષીય મિશેલને સીબીઆઈના હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો.

પૂછપરછથી કંટાળીને તેણે બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી. ડોક્ટરોએ સારવાર આપ્યા બાદ સીબીઆઈએ ફરીથી તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી. ગઈ કાલે સવારે નાસ્તો અપાયો તેના પહેલાં ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી જ મિશેલને સુવાની પરવાનગી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારે મહેનત બાદ સીબીઆઈને બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલની કસ્ટડી મળી છે. મિશેલ ભારતમાં હથિયારોના કોન્ટ્રાક્ટ અને સોદા માટે રપ વર્ષ સુધી દલાલી કરતો રહ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના કેટલાક અધિકારીઓના નામ પણ મિશેલની પૂછપરછમાં સામે આવે તેવી શક્યતા છે. ર૦૦૮માં મિશેલે હાથથી લખેલી એક નોટ મળી આવી હતી, જેમાં તેણે કેટલાક નેતાઓ અને અધિકારીઓ સહિતના એ તમામ મોટા માથાઓનાં નામ લખ્યા છે, જેમની પાસેથી તેને દલાલી (લાંચ) મળી હતી.

મિશેલની આ કથિત નોટ પ્રમાણે ૩૦ મિલિયન યુરો (અંદાજે ર૪૦ કરોડ રૂપિયા) ભારતીય અધિકારીઓ અને એરફોર્સના અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ નોટમાં કેટલાંક નામ સાંકેતિક ભાષામાં લખવામાં આવ્યા છે. સીબીઆઈ હાલ પૂછપરછમાં આ નામનો ખુલાસો કરવાની કોશિશ કરી રહી છે.

સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે તેઓ ચાર વર્ષ સુધી મિશેલના ડ્રાઈવર તરીકે કામ કરતા નારાયણ બહાદુરની પણ આકરી પૂછપરછ કરશે. મિશેલ ભારતમાં ક્યા ક્યા નેતાઓ અને અધિકારીઓને મળ્યો હતો અને તેમની સાથે કેટલો સમય વીતાવતો હતો એ તમામ માહિતી નારાયણ બહાદુર પાસેથી મળશે.

મિશેલના પ્રત્યર્પણ બાદ ભારત હવે ‘મિશન મિલાન’ હાથ ધરશે
અગસ્તા-વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યર્પણ બાદ ભારત સરકાર હવે બાકીના બે વચેટિયાઓને પણ દેશમાં લાવવાના અભિયાનમાં લાગી ગઈ છે. ભારત સરકારે ‘મિશન મિલાન’ હાથ ધર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અગસ્તા-વેસ્ટલેન્ડના પૂર્વ હેડ બુર્નો સ્પાગનોલીની અને ફિનમેક્કાનિકા (હવે લિયોનાર્ડો)ના પૂર્વ સીઈઓ ગુસેપ ઓર્સીના પ્રત્યર્પણ માટે સરકારે ઈટાલીના પ્રોસિક્યુટર્સ સાથે હાથ મિલાવ્યો છે.

આ અગાઉ જાન્યુઆરીમાં ઈટાલીની કોર્ટે આ બંને દલાલોને પૂરતા પુરાવા ન હોવાના આધાર પર ક્લીનચીટ આપી હતી. આ બંને પર ભારત સરકાર સાથે ૧ર વીવીઆઈપી હેલિકોપ્ટરની ડીલમાં લાંચ આપવાનો આરોપ છે. ભારત સરકારને આશા છે કે ઈટાલીની કોર્ટમાં આ કેસમાં પણ સફળતા મળશે અને આ બે વચેટિયાઓને ભારત લાવવામાં આવશે.

You might also like