નાસાએ ભૂલથી મૂન લેન્ડિંગ બેગ વેચી નાખી

નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રીન અને માઈકલ કોલિન્સ વર્ષ ૧૯૬૯માં ‘અપોલો-૧૧’ નામના યાન દ્વારા ચંદ્ર પર પહોંચ્યા હતા. ચંદ્રની ધરતીના નમૂના એકઠા કરવા માટે તેમણે એક બેગનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ વેચાણ માટે મૂકેલી કેટલીક વસ્તુઓમાં ભૂલથી આ બેગ પણ સામેલ થઈ ગઈ હતી અને નેન્સી કાર્લસન નામની મહિલાએ તેને ખરીદી પણ ખરી. કિંમત હતી ૯૯૫ ડૉલર.

આશ્ચર્યની વાત તો એ છે કે બેગ વેચાઈને નેન્સી સુધી પહોંચી ત્યારે પણ નાસાના કોઈ ઉચ્ચ અધિકારીને એ વાતની ખબર નહોતી. નેન્સી આ બેગના મૂલ્યથી વાકેફ હશે તેથી તેણે ખરાઈ કરવા માટે આ બેગ નાસાને આપી અને આ બેગ સૌપ્રથમ મૂન લેન્ડિંગ સમયે વપરાયેલી બેગ છે કે બીજી કોઈ બેગ તે બાબતે સ્પષ્ટતા માગી. બેગ પરત આવતા જ નાસાનો સમગ્ર સ્ટાફ સફાળો જાગ્યો. આ બનાવને ક્લેરિકલ એરર એવું નામ આપી ફરી બેગનો કબજો મેળવવા માટે કોર્ટની મદદ લીધી. બેગ ખરીદનાર નેન્સી પણ માથાની હતી, તેણે પણ બેગ માટે રકમ ચૂકવી હોવાથી તેની માલિકી માટેનો દાવો કર્યો. નાસાનું રટણ છે કે બેગ અને વેચાણ માટેની અન્ય એક વસ્તુને સરખા જ આઈડેન્ટિફિકેશન નંબર અપાઈ ગયા હોવાથી આ ભૂલ થઈ છે. આ બેગમાં હજુ પણ ચંદ્રની જમીનના નાનાનાના ટુકડા કે રજકણો હોવાનું ત્યાંના અધિકારીઓ કહી રહ્યા છે.

You might also like