મિશનરીઝ ઓફ ચેરિટીએ કુંવારી માતાના બાળકને રૂપિયા 1.20 લાખમાં વેચી માર્યું

રાંચીઃ ઝારખંડના પાટનગર રાંચીમાં મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટી પર એક નવજાત શિશુને રૂ.૧.ર૦ લાખમાં વેચી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજ્યની બાળ કલ્યાણ સમિતિએ આ મામલામાં ચેરિટી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. આ કેેસમાં મિશનરીઝ ઓફ ચેરિટી હોમના કર્મચારી અનીમા સહિત બે સિસ્ટરની ધરપકડ કરવામાં આવી છે.

તેમના પર એવો આરોપ છે કે ચેરિટી હોમની મહિલા સંચાલક સાથે મળીને અનીમા અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલા નવજાત શિશુઓને વેચી ચૂકી છે. બાળ કલ્યાણ સમિતિની તપાસમાં એ હકીકતનો પર્દાફાશ થયો છે કે એક નવજાત શિશુની અવેજમાં તેણે રૂ.૧.ર૦ લાખ લીધા હતા.

બાળ કલ્યાણ સમિતિએ નવજાત શિશુઓનો આ સમિતિ પાસેથી કબજો લઇ લીધો છે અને તેમને અન્ય સંસ્થાઓમાં મોકલી દેવાયા છે. પોલીસ ઇન્ચાર્જ એન.એન. મંડલે જણાવ્યું હતું કે અન્ય કેટલાંક બાળકોને પણ ગેરકાયદે વેચી માર્યાની હકીકત સામે આવી છે. આ બાળકોની માતાનાં નામ પોલીસને મળ્યાં છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

અનીમા નવજાત બાળકોના વેચાણ માટે રૂ.પ૦,૦૦૦થી રૂ.૧.ર૦ લાખની રકમ પડાવતી હતી. બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે એક અપરિણીત યુવતી મિશનરીઝ ઓફ ચેરિટી હોમમાં પ્રેગ્નન્સી દરમિયાન રહેતી હતી અને તેણે ૧ મેના રોજ રાંંચીની સદર હોસ્પિટલમાં એક છોકરાને આપ્યો હતો.

આ નવજાત બાળકને અનીમાએ સંચાલિકા સિસ્ટર કોનસિલિયા સાથે મિલીભગત કરીને ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઓબરામાં રહેતાં દંપતી સૌરભ અગ્રવાલ અને પ્રીતિ અગ્રવાલને હોસ્પિટલ ખર્ચના નામે રૂ.૧.ર૦ લાખમાં વેચી દીધું હતું અને એ વખતે બાળકની ઉંમર માત્ર ચાર દિવસની હતી.

You might also like