ગુમ બાળકો અંગે પોલીસની કામગીરી પર નજર રાખવા વોલેન્ટિયર નીમો

અમદાવાદ: રાજ્યમાં ગુમ થયેલાં બાળકોને શોધવા માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં નહીં લઇ રહી હોવાના મામલે થયેલી જાહેર હિતની અરજીમાં અરજદારે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પેરા લીગલ વોલેન્ટિયરની નિમણૂક કરવા માટેની હાઇકોર્ટ સમક્ષ માગણી કરી છે. અરજદારે મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠમાં એફિડિવેટ કરી છેકે સુપ્રીમ કોર્ટે ગુમ થયેલાં બાળકોના મામલે દરેક પોલીસ સ્ટેશનોમાં પેરા લીગલ વોલેન્ટિયર મૂકવા માટેનો હુકમ કર્યો હતો.

રાજ્યમાં ગુમ થયેલાં બાળકોને શોધવા માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં નહીં લઇ રહી હોવાના મામલે થયેલી જાહેર હિતની અરજીમાં અરજદાર વકીલ ગિરીશ દાસે વિવિધ રજૂઆતો કરી છે. અરજદારનો દાવો છે કે, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે ગુમ થયેલાં બાળકો અંગે વિવિધ માર્ગદર્શિકા અને હુકમો જારી કરેલા છે, જેનો રાજ્યમાં અમલ થઇ રહ્યો નથી. અરજદારે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ વી.એમ.પંચોલીની ખંડપીઠમાં એફિડિવેટ ફાઇલ કરી છે. અરજદારે માગ કરી છે કે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પેરા લીગલ વોલેન્ટિયરની નિમણૂક કરવામાં આવે જે પોલીસે કરેલા ઇન્વેસ્ટિગેશન પર નજર રાખે, વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટે ગુમ બાળકોને શોધવા માટે પેરા લીગલ વોલેન્ટિયર મૂકવા માટેનો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે પેરા લીગલ વોલેન્ટિયર કોઇ સરકારી કર્મચારી નહી પરંતુ ખાનગી વ્યકિત હોય જે પોલીસ ગુમ બાળકોના કેસમાં શું તપાસ કરી રહી છે તેની ઉપર નજર રાખે અને રાજ્ય સરકારમાં તેનો રિપોર્ટ કરે. દરેક પોલીસ સ્ટેશનમાં 24 કલાક બે પેરા લીગલ વોલેન્ટિયર રાખવા માટેની માગ કરાઇ છે. આ મુદ્દે રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કરવામાં સમય માગ્યો. ગુમ થયેલાં બાળકોના મુદ્દે ગત સુનાવણીમાં રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે એક વર્ષમાં 11000થી પણ વધુ બાળકો ગુમ થયાં હોવાની વાત નકારી હતી અને બચાવ કર્યો હતો કે એક જ વર્ષમાં આગળના વર્ષોની પણ ડેટા એન્ટ્રી કરવામાં આવી હોવાના કારણે આ આંકડો આટલો મોટો દેખાય છે. સરકારના દાવા પ્રમાણે હાલ કુલ 1450 બાળકો ગુમ થયેલાં છે.

જોકે જાહેર હિતની અરજીમાં કરાયેલી રજુઆત પ્રમાણે રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 22 હજાર જેટલાં બાળકો ગુમ થયાં હતાં. જેમાંથી 11 હજાર જેટલાં બાળકો પાછા મળી આવ્યાં છે.

You might also like