દુષ્કર્મથી જન્મેલા બાળકને પણ વળતર મેળવવાનો અધિકાર

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે પોતાના અેક અાદેશમાં સ્પષ્ટ કર્યું છે કે દુષ્કર્મથી બાળક જન્મે તો પોતાની માતાને મળતા વળતરથી અલગ વળતર મેળવવાનો અધિકાર ધરાવે છે. ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ અને ન્યાયમૂર્તિ અારકે ગાબાની ખંડપીઠે જણાવ્યું કે બાળકની માતાને પીડિત તરીકે મળેલા વળતર પર અાની કોઈ અસર નહીં થાય. હાઈકોર્ટે નાબાલિગ પુત્રી સાથે દુષ્કર્મના દોષીને નીચલી અદાલતમાંથી મળેલી અાજીવન જેલની સજાને પડકાર અાપતી અરજીને ફગાવતા અા ફેંસલો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે કાયદામાં દુષ્કર્મ પીડિતાના બાળક માટે વળતરની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. દુષ્કર્મથી જન્મેલા બાળકની માતા સગીર હોય કે ન હોય પરંતુ તે સ્પષ્ટ છે કે તે અપરાધીના દુષ્કર્મથી પીડિત છે. અાવા સંજોગોમાં તેનું બાળક સ્વતંત્ર રીતે વળતર મેળવવાનો અધિકાર ધરાવે છે.

કોર્ટે નીચલી અદાલત દ્વારા અા કેસમાં ઘણી ભૂલો કરવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે તેમને પહેલા જ નક્કી કરી દીધું હતું કે પીડિતાને દિલ્હી સરકાર દ્વારા વળતરની સ્કીમ હેઠળ સહાયતા અાપવામાં અાવશે. નીચલી અદાલતે પીડિતાને ૧૫ લાખ રૂપિયાનું વળતર અાપ્યું છે. જ્યારે કાયદામાં મોટેભાગે રકમ ૭.૫ લાખ રૂપિયા છે. અા રકમ ઘટાડીને ૭.૫ લાખ કરવામાં અાવે છે.

ખંડપીઠે કહ્યું કે નીચલી અદાલતે દુષ્કર્મ પીડિતાની અોળખ પણ જાહેર કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે અા ઘટનામાં દોષીઅે પોતાની સાવકી સગીર પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું. નીચલી અદાલતે દોષીને અાજીવન કારાવાસ અને ૧૫ લાખ રૂપિયા દંડની સજા સંભળાવી હતી.

નીચલી અદાલતના ચુકાદાને દોષીઅે હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટે તેની અપીલ ફગાવતા કહ્યું કે દોષીના કૃત્યથી પીડિતા ૧૪ વર્ષની ઉંમરમાં માતા બની. અા શરમજનક કૃત્ય છે. દોષી કોઈપણ પ્રકારે દયાને પાત્ર નથી. તેને અાખી જિંદગી જેલના સળિયા પાછળ રહેવું પડશે.
http://sambhaavnews.com/

You might also like