દુરાચારોના દોરડાનું બંધન દૂર થતાં વ્યકિત મુકત બની જાય

આ બ્રહ્માંડ બ્રહ્મનું વ્યકત સ્વરૂપ છે. આવી જ રીતે વ્યકિત તે આત્માનું વ્યકત સ્વરૂપ છે. કર્તૃત્વ ભાવ વ્યકિતમાં રહેલો છે, પણ આત્મામાં નહીં. અકર્તાને આંબવા માટે વ્યકિતએ પોતાના કર્તૃત્વ ભાવથી મુકત થવું પડશે. આમ છતાં કર્તૃત્વ ભાવની હયાતીમાં વ્યકિત કૃતિ ભકિત દ્વારા કૃતજ્ઞ બની પોતાનો માનવ ધર્મ બજાવવા બંધાયેલ છે. સ્વાધ્યાય એટલે પોતાના સ્વકર્મનું અધ્યયન. વ્યકિતના સાત્ત્વિક ભાવ સાથે સ્વકર્મ વણાયેલું છે. તનના તાણા અને મનના વાણાની વચ્ચે આત્મા પોતરૂપે પ્રકાશી રહ્યો છે. મુક્તિ કે મોક્ષ મેળવવો તે માનવીના હાથની વાત નથી, પરંતુ પોતાના વ્યકિતત્વમાં રહેલા અવગુણો કે દુરાચારોથી મુકત બનવું તે વ્યકિતના પોતાના હાથની વાત છે. દુરાચારોના દોરડાનું બંધન આપણા ઉપર કોઇએ લાદયું નથી. આ બંધન એ આપણા પોતાના જ કર્તવ્યનું ફળ છે.

આત્મા કે પરમાત્મા પરતંત્ર નથી. બલકે સદૈવ સ્વતંત્ર છે. સ્વતંત્ર માધ્યમમાં પરતંત્ર બાબતનો સમાવેશ થઇ શકે નહીં. આથી માનવી પોતે મુકત અને સ્વતંત્ર થતાં આત્માભિમુખ અવશ્ય બની શકે છે. બિંદુ સિંધુમાં ભળી જતાં પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવે છે તેમ માનવી પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી જીવનમુકિતનો આનંદ લઇ શકે છે. દુરાચારોના દોરડાનું બંધન દૂર થતાં જ વ્યકિત મુકત બની જાય છે. સ્વતંત્રતા મળ્યા પછી મેળવવાનું બાકી શું રહ્યું? આ વાત જેટલી ભૌતિક બાબતને લાગુ પડે છે તેટલી જ આધ્યાત્મિક ક્ષેત્રને પણ લાગુ પડે છે. વ્યકિતએ પોતાના વ્યકત સ્વરૂપનો ભાવ ત્યજી દીધા પછી અવ્યકતની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડતો નથી, કારણ કે તેમાં પુરુષ ભાવ જ રહેતો નથી.

આ પ્રકાશનાં કિરણો આત્મકેન્દ્રમાંથી ઉત્પન્ન થઇ પરમાત્માને પામવા માટે અથવા અનંતને આંબવા અતીતમાં અલોપ થઇ પોતાનું અસ્તિત્વ અકર્તામાં આરોપી દે છે. દેહની હયાતી દરમિયાન માત્ર ભાવનાની ભીતરમાં સરી જઇને જીવનમુકિતની દુનિયામાં માત્ર ભાવુક થઇને ભમવાનું છે.

આપણા દરેક મહામાનવો વગેરે પોતાના દેહને ગૌણ ગણી પોતાના ભીતરમાં રહેલા આત્માની અસ્મિતા સાથે ખુદને સમર્પિત કરી અદ્વૈતના આનંદમાં મસ્ત રહેતા હતા. દેહ સાથેના સર્વ સાત્ત્વિક વેપાર કરતા હોવા છતાં જીવનમુકત ભાવનામાં વિહરતા હતા. મહામાનવોની જીવનચરિત્રથી આપણે સૌએ શીખવું જોઇએ કે તેઓ કેવું જીવન જીવતા હતા. તેમના જીવન પરથી પ્રેરણા લેવી જોઇએ.

You might also like