પરચૂરણ અાપવાનું કહી ગઠિયો રૂ.૨૦ હજાર લઈ ગયો

અમદાવાદ:  તમારે પાંચ-પાંચના સિક્કા જોઇએ છે? હાલ મારી પાસે 20 હજાર રૂપિયાના સિક્કા પડ્યા છે તેવું કહીને રામોલ ટોલ ટેક્સના કર્મચારી પાસેથી 20 હજાર રૂપિયા રોકડા લઇને રફુચક્કર થઇ જનાર ગ‌િઠયા વિરુદ્ધમાં રામોલ પોલીસે છેતર‌િપંડીનો ગુનો દાખલ કર્યો છે. ગ‌િઠયો રામોલ ટોલ ટેક્સમાં હેલ્મેટ પહેરીને ઠગાઇ કરવા આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

શહેરના વસ્ત્રાલરોડ પર આવેલ ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઇ મહાદેવભાઇ મોટકા રામોલ ટોલ ટેક્સ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવે છે. રામોલ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ દાખલ કરાવી છે કે એક અજાણ્યો માણસ એક્ટિવા લઇને ટોલ ઓફિસ પર આવેલો અને કહ્યું હતું કે રામોલમાં રહું છું, તમારે પાંચ-પાંચના સિક્કા જોઇએ છે? મારી પાસે વીસ હજાર રૂપિયાની સિક્કા પડેલ છે. આમ કહેતાં ટોલ ટેક્સમાં સિક્કાની જરૂર હોવાથી તેઓ લાલચમાં આવી ગયા હતા.

ગઠિયાને 20 હજાર રૂપિયા રોકડા આપીને ટોલ ટેક્સમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ દાઉદભાઇ મનસૂરીને તેની સાથે 20 હજાર રૂપિયાના સિક્કા લેવા મોકલ્યા હતા. ગ‌િઠયાએ દાઉદભાઇને રામોલ ગામ તરફ ઉતાર્યા અને સિક્કા લઇને આવું છું તેમ કહીને તે જતો રહ્યો હતો. એકાદ-બે કલાક સુધી ગ‌િઠયો પરત નહીં આવતાં તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી છે. રામોલ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like