ફત્તેહવાડીમાંથી લાપતા થયેલી સગીરાની લાશ કેનાલમાંથી મળી

અમદાવાદ: શહેરના સરખેજ-ફત્તેહવાડી વિસ્તારમાંથી એક અઠવાડિયા અગાઉ ગુમ થયેલી સગીરાની બાવળાના કાવિઠા ગામની કેનાલમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પોલીસને લાશ મળી ત્યારે તેણે સ્કૂલ ડ્રેસ પહેરેલો હતો પરંતુ પાયજામો સ્કૂલ ડ્રેસનો ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અને પરિવારજનોને સગીરા સાથે કંઈ અજુગતું કરી તેની હત્યા કરાઈ હોવાની આશંકા છે. આ અંગે બાવળા પોલીસે સગીરાની લાશને પી.એમ. માટે મોકલી આપી છે. પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરખેજ રોડ પર ફત્તેહવાડી વિસ્તારમાં આવેલાં સનરાઈઝ પાર્કમાં રુબિના નૌશાદઅલી કાદરી (ઉ.વ.૧૩) નામની સગીરા રહેતી હતી. રુબિના ગ્યાસપુર ભાઠા મ્યુનિસિપલ સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરી હતી. ૩૧ની ડિસેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસ સ્કૂલેથી ગુમ થઈ હતી. રુબિનાની બહેનના જણાવ્યા મુજબ સવારે ૧૧ વાગ્યે સ્કૂલેથી તેણે તેની મિત્ર શનાબાનુ સાથે જતાં જોઈ હતી અને તેને જોઈ રુબિના જતી રહી હતી. બાદમાં રુબિનાનો કોઈ અતોપતો નહોતો. રુબિના ગાયબ થતાં તેના પરિવારજનોએ આ અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ ગઈ કાલે બાવળા પોલીસને જાણ કરાઈ હતી કે બાબત કાવિઠા ગામ નજીક કેનાલમાં એક છોકરીની લાશ તરતી જોવા મળી હતી. તેથી પોલીસે તાત્કાલિક દોડી જઈ લાશને બહાર કાઢી તપાસ કરતાં તેણે સ્કૂલ ડ્રેસ પહેરેલો હતો. આ બાબતે પોલીસે તપાસ કરતા અસલાલીમાં ફત્તેહવાડીમાંથી ગુમ થયેલી રુબિનાની લાશ હોવાનું જાણવા મળતાં તેના પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેના માથા ઉપર વાગેલાનું નિશાન છે. ઉપરાંત તેણે સ્કૂલ ડ્રેસ પહેર્યો છે તેના સ્કૂલ ડ્રેસનો પાયજામો અલગ છે જેથી હત્યા કરાઈ હોવાની આશંકા છે. પરંતુ પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ જ સત્ય બહાર આવશે.

બાવળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ફત્તેહસિંહે જણાવ્યું હતું કે હાલમાં સગીરાની લાશને પીએમ માટે મોકલી છે. પીએમ બાદ સગીરાએ આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તેનું કારણ બહાર આવશે.

You might also like