૩૭૦૦૦ કરોડ સંરક્ષણ મંત્રાલયમાં વણવપરાયેલા

નવી દિલ્હી: કેટલાક મહત્વના સંરક્ષણ સંશાધનોની ખરીદી એડવાન્સ સ્ટેજે છે ત્યારે સંરક્ષણ મંત્રાલયને તેના આધુનિકીકરણના ભંડોળનું ખર્ચવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. નાણાકીય વર્ષ અંતિમ કવાર્ટરમાં પ્રવેશી ગયુ છે ત્યારે ભૂમિદળે તેના બજેટમાંથી ૪૦ ટકા રકમનો હજી સુધી ઉપયોગ જ કર્યો નથી. ઈટીને મળેલા ખર્ચના છેલ્લા આંકડા દર્શાવે છે કે ડિસેમ્બરના અંત સુધીમાં સંરક્ષણ મંત્રાલયનું રૂ. ૩૭,૦૦૦ કરોડનું આધુનિકીકરણનું બજેટ વણવપરાયેલુ પડયુ છે.

આમ લશ્કર હજી સુધી ફકત ૪૫ ટકા મૂડી ફાળવણી જ ખર્ચી શકયુ નથી. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં પણ મંત્રાલય લશ્કરના ત્રણ એકમો માટે પ્રારંભમાં ફાળવવામાં આવેલા રૂ. ૮૦,૫૪૫ કરોડમાંથી ૨૨ ટકા રકમ ખર્ચી શકયું ન હતું. છેવટે મૂડીના મથાળા હેઠળના બાકીના રૂ. ૧૮,૨૦૦ કરોડ મહેસૂલી ખર્ચમાં નાખી દેવાયા હતા. ત્રણ સશસ્ત્ર દળોમાં લશ્કર પોતાના આધુનિકીકરણ માટેના બજેટનો અડધો હિસ્સો પણ ખર્ચી શકયું નથી.

મંત્રાલય હવે કપરી સ્થિતિમાં છે, કારણ કે નવી ખરીદી અને અપગ્રેડેશન માટેનો ભંડોળનો કેટલોક હિસ્સો મહેસૂલના મથાળા હેઠળ સ્થળાંતરિત કરાય અથવા તો કેન્દ્ર પાસે પાછો જાય તેવી સંભાવના છે. આમ થશે તો તેના આધુનિકીકરણના પ્રયત્નોને ફટકો પહોંચશે. ઈટીને મળેલો સત્તાવાર આંકડાનો ખર્ચ નિર્દેશ કરે છે કે સંરક્ષણ મંત્રાલય એક લાખ કરોડના સોદા કરવાના લક્ષ્યાંકથી પાછું પડે તેવી સંભાવના છે. હવાઈ દળે તો તેને આપવામાં આવેલું ભંડોળ સારી રીતે વાપર્યુ છે. તેના રૂ. ૩૩,૬૫૭ કરોડના ભંડોળમાંથી ૭૩ ટકા બજેટ વપરાઈ ગયુ છે, જયારે ડીઆરડીઓએ રૂ. ૭,૭૮૮ કરોડની બજેટ ફાળવણીના ૬૪ ટકા હિસ્સો ખર્ચ કર્યો છે.

અધિકારીઓ માને છે કે હવાઈ દળ બજેટના અંદાજ કરતા પણ વધારે રકમ ખર્ચે તેવી સંભાવના છે અને તેના માટે લશ્કર અને નૌકાદળના હિસ્સામાંથી પણ ફાળવણી કરવી પડે તેવી સ્થિતિ આવી શકે. કેટલાક મહત્વના પ્રોજેકટ અટવાયેલા છે. તેમાં એમ-૭૭૭ હોવિત્ઝરની ખરીદી અને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝરની ખરીદીનો સમાવેશ થાય છે. લશ્કર ખર્ચ કરવામાં તળીયે છે.

તેના રૂ. ૨૭,૨૨૭ કરોડના બજેટના ૪૫ ટકા હિસ્સો જ ડિસેમ્બરના અંત સુધી ખર્ચાયો છે. જયારે નૌકાદળે તેના કરતા સારી કામગીરી બજાવતા તેની રૂ. ૨૫,૦૦૩ કરોડની ફાળવણીનો ૫૭ ટકા હિસ્સો ખચ્ર્યો છે. આ આંકડા તે બાબતનું પણ પ્રતિબિંબ પાડે છે કે સરકાર એક બાજુએ મેક ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે ત્યારે સંરક્ષણ ક્ષેત્રે ઝંપલાવનારી ખાનગી કંપનીઓને કેટલો ઓર્ડર મળશે. તેમના માટે અમુક ઓર્ડર તો જરૂરી હોય છે.

You might also like