અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી

અમદાવાદ: છેલ્લાં કેટલાંક દિવસોથી ઠંડીનું જોર ધીમેધીમે ઓછું થતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગુજરાત રિજિયન,સૌરાષ્ટ્ર,કચ્છ અને દિવ,દમણ અને દાદરાનગર હવેલીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સુકૂ રહેશે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં છેલ્લાં એક સપ્તાહથી વધુ સમયથી લઘુતમ તાપમાનમાં સતત વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. આમ તો ફ્રેબ્રુઆરી માસમાં થોડી ઠંડી પડતી હોય છે પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી અમદાવાદ, ગાંધીનગર, ડીસા, નલિયા, અમરેલી સહિતના અન્ય શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.મોડી રાત બાદ હળવી ઠંડી અનુભવાય છે. પરોઢિયે થોડી ઠંડી બાદ ઠંડીની અસર ઓછી જોવા મળે છે.

આજે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલુ લઘુતમ તાપમાન આ મુજબ રહ્યુ હતુ. જેમાં અમદાવાદમાં ૧૫ ડીસામાં ૧૫.૪, ગાંધીનગરમાં ૧૩.૫, વડોદરા ૧૫.૬, સુરતમાં ૧૮.૩, વલસાડમાં ૧૨.૧, અમરેલીમાં ૧૬.૭, ભાવનગરમાં ૧૮.૮, રાજકોટમાં ૧૮.૩, નલિયામાં ૧૩.૬, કંડલા બંદરમાં ૧૬, કંડલા એરપોર્ટમાં ૧૭.૮, ભુજ ૧૬, સુરેન્દ્રનગરમાં ૧૮.૩, વેરાવળમાં ૧૮, પોરબંદરમાં ૧૮.૬ અને દ્વારકામાં ૨૦.૯ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આમ મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે જતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

You might also like