દબાણો દૂર કરતા મ્યુનિ. કોર્પો.ના ખુદના જ પ્લોટ દબાણગ્રસ્ત

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના અણઘડ વહીવટના કારણે તંત્રની માલિકીના લાખો-કરોડો રૂપિયાની કિંમતના પ્લોટમાં આજે એક અથવા બીજા પ્રકારનાં દબાણ થયાં છે. તંત્રની આંખ આડા કાન કરવાની ઢીલી નીતિ કે ભ્રષ્ટાચારના કારણે જાહેર રસ્તા પર દબાણોના રાફડેરાફડા ફાટી નીકળ્યા છે તે બાબત તો સર્વવિદિત છે, પરંતુ મ્યુનિસિપલ માલિકીની મૂલ્યવાન જમીનમાં ૮૦ ટકા સુધીના દબાણની ચોંકાવનારી માહિતી ખુદ તંત્રના સત્તાવાર સર્વેમાં બહાર આવી છે. ઔડાની જૂની લિમિટ પૈકી પહેલા તબક્કામાં સાત નગરપાલિકા વિસ્તાર ગત તા.૧૪ ફેબ્રુઆરી, ર૦૦૬ અને બીજા તબક્કામાં દશ નગરપાલિકા અને ૩૦ ગ્રામપંચાયત વિસ્તાર ગત તા.ર૦ જુલાઇ, ર૦૦૬થી કોર્પોરેશનમાં ભેળવી દેવાથી હાલનો સૌથી મોટો નવા પશ્ચિમ ઝોન અસ્તિત્વમાં આવ્યો છે.

કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનમાં ઔડાની માલિકીના જે પ્લોટ સત્તાંતરણથી આપોઆપ મ્યુનિસિપલ તંત્રને હવાલે થયા તે પૈકીના અનેક પ્લોટમાં એક અથવા બીજા પ્રકારનાં દબાણ હતાં, જેમાંથી કેટલાક પ્લોટમાંથી લેભાગુ તત્ત્વોને હાંકી કાઢવામાં સત્તાવાળાઓને સફળતા મળી છે, જ્યારે આજની સ્થિતિમાં ૩૬ પ્લોટ દબાણગ્રસ્ત છે. આ દબાણગ્રસ્ત પ્લોટને ખાલી કરાવવામાં સત્તાવાળાઓ નાકામયાબ નિવડ્યાનો એકરાર ખુદ કોર્પોરેશનનો સર્વે રિપોર્ટમાં કરાયા છે.
લાખો-કરોડો રૂપિયાની કિંમતના આ પ્લોટમાં ગેરકાયદે કાચાં ઝૂંપડાથી લઇને પાકાં મકાન ચણી લેવાયાં છે, જે પૈકીના કેટલાક પ્લોટના કિસ્સા કોર્ટ આધીન થયા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે લેભાગુ તત્ત્વોના જામેલા અડ્ડાને હટાવી શકાયા ન હોઇ નાગરિકોને અનેક સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું છે.

જે પ્લોટમાં દબાણ થયાં છે તે તેવા પ્લોટ તો પૂરેપૂરા કોર્પોરેશનના કબજામાં હોત તો તે પ્લોટમાં શહેરીજનો માટે બગીચા, શાળા, ઇડબ્લ્યુએસ મકાન જેવા વિવિધ હેતુલક્ષી પ્રોજેક્ટ હાથ ધરી શકાયા હોત, કેમ કે તંત્રના સર્વ રિપોર્ટમાં જે તે દબાણગ્રસ્ત પ્લોટના હેતુનો પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો છે. આ અંગે નવા પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહને પૂછતા તેઓ કહે છે કે, ‘જે તે પ્લોટને ખાલી કરાવવા માટે તંત્ર નોટિસ ફટકારશે અને ૧ ડિસે. ર૦૧૦ પહેલાના વસવાટના દબાણના મામલે દબાણગ્રસ્ત પાસે સ્લમ સર્વે કાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ સહિતના ચાર પુરાવા પૈકી બે પુરાવા હશે તો તેવા કેસમાં વૈકલ્પિક જગ્યા ફાળવાશે.

નવા પશ્ચિમ ઝોનના ટીપી સ્કીમના દબાણગ્રસ્ત પ્લોટ

ઘાટલોડિયા-સોલા: શાયોના પાર્ટી પ્લોટ પાસે, હેતપ્રભા સોસાયટી પાસે, ધર્મરાજ સોસાયટી પાસે, મુદુલપાર્ક સોસાયટી પાસે, વિશ્વાસ ફલેટની બાજુમાં, વ્રજધામ-૧ પાસે, કુમુદનગર પાસે, સર્મપણ ટેનામેન્ટ જનતાનગર ક્રો‌િસંગ પાસે.
મેમનગર: આલેખ ફ્લેટ પાસે
વેજલપુર: એકતા મેદાન, ટીવી-૯ની બાજુમાં, રત્નાકર-૪ની બાજુમાં અ‌િવરાજ બંગલોઝ સામે
ચાંદલોડિયા-ઘાટલોડિયાઃ સિલ્વર સ્ટાર સામે, વિશ્વકર્મા મંદિર સામે, ચાંદલોડિયા તળાવની બાજુમાં
થલતેજ:  સેફાયર એપાર્ટમેન્ટ પાસે, સ્વાગતપાર્ક બંગલોઝ સામે, ગુંજનપાર્ક સોસાયટી સામે, ગુંજનપાર્ક સોસાયટી પાસે, જલસા પાર્ટી પ્લોટ પાછળ, બંસરીવિલા બંગલો પાસે (૧૦૦ ફૂટ રીંગ રોડ), શુભ બંગલા પાસે (૧૦૦ ફૂટ રોડ), આદિત્ય બંગલાે પાસે (૧૦૦ ફૂટ રોડ), હેતવિલા બંગલો પાસે (હેબતપુરા ક્રોસિંગ), હંસવિલા બંગલો પાછળ (હેબતપુર ક્રોસિંગ), કાવ્યાંજ‌િલ બંગલા પાસે (હેબતપુરા ક્રો‌િસંગ)
બોડકદેવઃ પુષ્પમ્ બંગલો સામે, પુષ્પમ્ બંગલોની બાજુમાં, ગોલ્ફ ટેનિસ ગ્રાઉન્ડની બાજુમાં.
સોલા-થલતેજ:  જેબીઆર આર્કેડ સામે, સ્વ‌િપ્નલ હોમ્સ પાસે, શ્યામલ રેસિડેન્સી પાસે, શ્યામવિલા બંગલો પાસે.
ગોતા:  ગોતા સ્મશાન પાસે

http://sambhaavnews.com

You might also like