ખાણ વિસ્ફોટ ગામડાંઓ ધ્રુજાવે છે

મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના સેવાલિયા પાસેની મહીસાગર નદીના વિશાળ પુલથી પાંચેક કિલોમીટર દૂર નદી કિનારે સુખપુર ગામ આવેલું છે. અંદાજે ૫૦૦ માણસોની વસતી ધરાવતા આ ગામની પ્રાથમિક શાળામાં ૫૦ જેટલાં બાળકો ભણે છે. છએક માસ પહેલાં ગામલોકોએ આ શાળાને તાળાબંધી કરવી પડી. અંતરિયાળ વિસ્તારમાં એકમાત્ર સરકારી શાળા હોવા છતાં બાળકોનાં ભણતરને બાજુ પર મૂકીને શાળાને તાળાબંધી કરવાનું પગલું વાલીઓ માટે પણ આકરું હતું, છતાં શાળા બંધ કરવી પડી, કારણ બાળકોની સલામતીનો પ્રશ્ન હતો.

હા, શાળાથી માત્ર ૨૦૦ મીટર દૂર આવેલી કાળા પથ્થરની ક્વોરી (ખાણ)માં કરવામાં આવતા વિસ્ફોટથી નાના પથ્થરો ઊડીને છેક શાળાના મકાન અને મેદાન સુધી પહોંચી જતાં હતા, આવો પથ્થર મેદાનમાં રમતાં બાળકો માટે ઘાતક બની શકે. આ કારણથી જ કંટાળીને ગામલોકોએ શાળાને તાળાબંધી કરીદીધી હતી.

સુખપુર ગામ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોઠડા પંચાયત હેઠળ આવે છે. મહીસાગર નદીને કિનારે ક્વોરીઓના સામ્રાજ્ય વચ્ચે આવેલા સુખપુર જેવાં અનેક ગામની કહાની કરુણતાથી ભરેલી છે. પથ્થરની ક્વોરીઓના કારણે આ ગામના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. ક્વોરીઓમાં કરવામાં આવતા ઊંચી તીવ્રતાના ગેરકાયદે વિસ્ફોટને કારણે ગામનાં અનેક કાચાં-પાકાં મકાનો ભયગ્રસ્ત બન્યાં છે. ક્વોરીમાંથી ઊડતા નાના પથ્થરો અને રાખને કારણે આસપાસની ખેતીલાયક જમીન બરબાદ થઈ ગઈ છે અને ગામલોકો શ્વાસ અને ફેફસાંની બીમારીઓનો મોટા પ્રમાણમાં શિકાર બની રહ્યા છે. રાખવાળો ચારો ખાવાથી પશુઓનાં પણ અણધાર્યા મોત નીપજી રહ્યાં છે. આ બધી વિસંગતતાઓ વચ્ચે વહીવટીતંત્ર આંખ આડા કાન કરીને તમાશો જોઈ રહ્યું છે. ક્વોરી માલિકો પૈસાના જોરે નિયમોની ઐસી-તૈસી કરીને લોકો અને પશુ-પંખીનાં જીવન તથા પર્યાવરણ સાથે અટકચાળાં કરી રહ્યાં છે.

મકાનો બન્યાં વિસ્ફોટનો ભોગ

વાત માંડીને કરીએ તો ક્વોરીનો સૌથી વધુ ભોગ સુખપુર બન્યું છે. પ૦૦ માણસોની વસતી ધરાવતું આ ગામ ચારેબાજુ ૩૦ જેટલી ક્વોરીઓથી ઘેરાયેલું છે. ગામમાં ૮૦ જેટલાં મકાન છે અને તમામ કાચાં-પાકાં મકાન ક્વોરીમાં થઈ રહેલા ઊંચી તીવ્રતાવાળા વિસ્ફોટનો ભોગ બન્યાં છે. દરેક મકાનમાં કરોળિયાનાં જાળાં જેવી ઝીણી તિરાડો પડી ગઈ છે. નવાં બનેલાં મકાનો પણ તેમાંથી બાકાત નથી. દિવસે દિવસે આ તિરાડો મોટી થઈ રહી છે. તીવ્ર વિસ્ફોટના કારણે દરરોજ ભૂકંપ જેવા આંચકા ગામલોકો અનુભવી રહ્યા છે અને ઘરમાં પડેલી તિરાડોને કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.

ગામમાં નટુભાઈ રાઠોડનું ઈંટનું મકાન છે. મકાનની દીવાલોમાંથી આરપાર લાકડી પસાર થઈ શકે તેવી મોટી તિરાડો પડી ગઈ છે. સમગ્ર પરિવાર સંભવિત ભય હેઠળ જીવી રહ્યો છે. આ અંગે નટુભાઈ કહે છે, “ક્વોરીના વિસ્ફોટને કારણે અમારું મકાન દરરોજ ધ્રૂજે છે અને ભૂકંપ આવ્યો હોય તેમ આંચકા અનુભવાય છે. ક્યારેક અતિ મોટા ધડાકામાં અમારું મકાન ચોક્કસ ધરાશાયી થઈ જશે. આ અંગે સરકારને રજૂઆત કરી છે, પણ કોઈ અમારી વાત માનવા તૈયાર નથી.”

ગામનાં પાકાં મકાનોની હાલત પણ આવી જ છે. લગભગ દરેક મકાનમાં તિરાડો છે. ગામના જસવંતસિંહ રાઠોડે બે વર્ષ પહેલાં જ ૧પ લાખ રૂપિયાના ખર્ચે બે રૂમ, ઓસરી, રસોડા સાથેનું નવું મકાન બનાવ્યું છે. મકાનના અંદરના ભાગે પાંચ-સાત ફૂટ લાંબી તિરાડો જોઈ શકાય છે. જશવંતસિંહ કહે છે, “અમે જે ખર્ચ કર્યો તે પાણીમાં જશે અને અમારી જિંદગી પર પણ કાયમી જોખમ આવી ગયું છે. રજૂઆત કોઈ સાંભળતું નથી. ‘તિરાડો તો તમારા કારણે જ પડી છે, ક્વોરીને લીધે નહીં,’ તેમ કહીને અધિકારીઓ અમારી સામે જ કેસ કરે છે. શું આખા ગામના દરેક મકાનના માલિકો જાતે જ પોતાના ઘરમાં સેંકડો તિરાડો પાડે?”

અધિકારીઓ વાત કરવા તૈયાર નથી

ગામલોકોની વાતમાં દમ છે. થોડા વખત પહેલાં જ ગામલોકોની ફરિયાદને ધ્યાનમાં રાખી ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ક્વોરીઓના વિસ્ફોટ અને ગામનાં મકાનોની સ્થિતિ જોયા બાદ અધિકારીઓએ ગામનાં મકાનોમાં પડેલી તિરાડો ક્વોરીઓના બ્લાસ્ટને કારણે નથી પડી તે મતલબનો રિપોર્ટ રજૂ કરી ગ્રામવાસીઓને ખોટા ઠેરવ્યા હતા. ‘અભિયાન’ પાસે આ રિપોર્ટની કોપી છે. રિપોર્ટ અંગે જિલ્લા ખાણ-ખનિજ અધિકારી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “મારે આ મુદ્દે કંઈ કહેવું નથી. મેં મારો રિપોર્ટ આપી દીધો છે એટલે હું કોઈ કોમેન્ટ કરવા માગતો નથી.”

ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ અને ક્વોરી માલિકો ભળી ગયા છે. અધિકારીઓએ પોતાની હાજરીમાં ખાણમાં વિસ્ફોટ કરાવીને તીવ્રતા માપી હતી. તેમણે ક્વોરી-માલિકોની તરફેણમાં રિપોર્ટ આપ્યો છે. આમાં વિચારવાલાયક વાત એ છે કે અધિકારીઓની હાજરી હોય ત્યારે ગેરકાયદે તીવ્રતાવાળા બ્લાસ્ટ કરે ખરા? ગામવાસીઓની ફરિયાદ મુદ્દે ખાણ-ખનિજ વિભાગે જવાબ આપવાનુંટાળ્યું હતું.

આ અંગે તત્કાલીન પંચમહાલ જિલ્લા કલેક્ટર વી. ભારથીએ કબૂલ્યું હતું કે, “ક્વોરીઓમાં વિસ્ફોટથી લોકોને અસર થઈ છે અને આ વિસ્તારમાં મોટી સમસ્યા ઊભી થઈ છે. ક્વોરી માલિકો સામે પગલાં ભરવામાં આવશે. આ મુદ્દો પંચમહાલ અને વડોદરા જિલ્લાને લગતો છે. અમારા તરફથી જરૂરી પગલાં લેવામાં આવશે.”

સુખપુર ગામથી આગળ પાંચ કિલોમીટર દૂર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું વાધવા ગામ છે. અહીં પણ સુખપુરની જેમ પાકા મકાનોમાં તિરાડો પડી ગઈ છે. જોકે આ ગામથી ખાણો થોડી દૂર છે તેથી કેટલાંક મકાનોને જ નુકસાન થયું છે. વાધવા ગામના કેશુભાઈ ચૌહાણના નવા ઘરમાં તિરાડો પડી ગઈ છે. હાલમાં તેમણે સિમેન્ટથી તિરાડો પૂરી દીધી છે, પરંતુ તિરાડો પડવાનો અંત આવતો નથી. કેશુભાઈ કહે છે, “કેટલી તિરાડો પૂરીએ, દરરોજ વિસ્ફોટ થાય છે અને ધ્રુજારી આવે છે. અધિકારીઓ અને ક્વોરી માલિકોની મિલીભગતમાં અમારું કોઈ સાંંભળતું નથી. હવે અમને આ બધું ફાવી ગયું છે.”

ક્વોરીઓ સેંકડો ટન પથ્થર ઉલેચે છે

મધ્ય ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લા કપચી માટે જાણીતા છે. પંચમહાલ જિલ્લામાં નદીસર ગામથી વડોદરા જિલ્લાના સાવલી સુધીના ૫૦થી ૬૦ કિલોમીટરના પટ્ટામાં લગભગ ૪૦૦ જેટલી ક્વોરીઓ આવેલી છે. મોટા ભાગની ક્વોરીઓ મહીસાગર નદીના કિનારે આવેલી છે. કેટલીક ક્વોરી ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. આ ક્વોરીઓમાંથી દરરોજ સેંકડો ટન કાળો પથ્થર કાઢવામાં આવે છે. આ પથ્થરનો ઉપયોગ રોડ અને બિલ્ડિંગ બનાવવામાં થાય છે. વર્ષોથી આ વિસ્તાર ક્વોરીનું હબ છે. મોટા ભાગની ક્વોરીઓ કાયદેસર છે, પરંતુ આ ક્વોરી નિયમોનો ભંગ કરી રહી છે તેના કારણે સૌથી વધુ પ્રશ્નો ઊભા થયા છે.

સરકારી નિયમ મુજબ અમુક માત્રાથી વધારેની તીવ્રતાના દારૂ-ગોળા સાથે વિસ્ફોટ કરી શકાય નહીં. આ માટે દરેક ક્વોરીની જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ પ્રમાણ નક્કી કરવામાં આવ્યાં છે. જોકે ક્વોરી માલિકો એક વિસ્ફોટમાં મોટા પ્રમાણમાં પથ્થર મેળવવાની લાલચે સરકારી નિયમોને બાજુએ મૂકીને નિયમ કરતાં વધારે પાવરના વિસ્ફોટ કરે છે. જેથી નજીકનાં ગામડાંઓમાં ભૂકંપ જેવા આંચકા અનુભવાય છે અને મકાનોમાં તિરાડો પડી જવાની ઘટનાઓ બનતી રહે છે. વિસ્ફોટની અસર ગોઠડા, સુખપુર, સરારી, વાઘવા, ટિંબા રોડ, સેવાલિયા જેવા ગામમાં જોવા મળી રહી છે. અંદાજે ૪૦ જેટલાં ગામો નાના-મોટા પાયે અસરગ્રસ્ત થયાં છે.

ક્વોરીઓને કારણે મકાનોની સાથે ખેતીને પણ ભારે નુકસાન થયું છે. આ વિસ્તારના ૩૦થી વધારે ગામોમાં ખેતી ક્વોરીની રજકણથી ફેલ થઈ રહી છે. મોટા ભાગમાં ચોમાસા સિવાય ખેતી થતી નથી. ક્વોરીની રાખ જમીન પર જામી જાય છે, ઉપરાંત કપાસ, તુવેર, એરંડા, મકાઈ જેવા પાકનાં પાંદડાં પર ચોંટી જતી હોવાથી પાક ઊભે ઊભો સુકાઈ જાય છે. ચોમાસામાં વારંવાર વરસાદ પડતો રહે તો રાખ ધોવાઈ જાય અને ફાયદો થાય, પરંતુ એ દરેક વખતે શક્ય બનતું નથી. ખેડૂતોને પાકનું નુકસાન થવા છતાં સરકાર કે ક્વોરીવાળાએ ક્યારેય વળતર ચૂકવ્યું નથી.

નિયમોનું છડેચોક ઉલ્લંઘન

નિયમ મુજબ ક્વોરીમાંથી બહાર જતી રાખને રોકવા માટે મશીન અને પટ્ટાને પેક કરી દેવા જોઈએ, પરંતુ કેટલીક ક્વોરીને બાદ કરતાં બીજી ક્વોરીઓ આ નિયમનું પણ ઉલ્લંઘન કરે છે. આ મામલો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ હેઠળ આવતો હોઈ પોલ્યુશનવાળા છાશવારે તપાસ કરે છે. તે માત્ર દેખાડો હોવાના અને ગામલોકોનો માત્ર દેખાવ પૂરતા નાટક કરે છે. વાઘવા ગ્રામ પંચાયતના સભ્ય ગણપતભાઈ ચૌહાણ કહે છે, “ક્વોરીની રાખના કારણે ખેતીમાં કંઈ જ થતું નથી. આ અંગે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. પાક નથી  માટે આવક નથી અને જમીન વેચવા કાઢીએ તો કોઈ લેવા તૈયાર નથી. ક્વોરીઓએ અમને ગરીબ બનાવી દીધા છે અને નાછૂટકે અમારે પણ મફતના ભાવે ક્વોરીવાળાને જમીન આપી દેવી પડે છે. ક્વોરીમાં રોજમદારી સિવાય કોઈ મોટી આવક પણ મળતી નથી.”

ખેતી સાથે પશુપાલનનો મુદ્દો પણ જોડાયેલો છે. ક્વોરીની રાખના થર ખેત જમીન પર જામી જતાં હોવાથી ઘાસ પણ થતું નથી અને ઘાસચારાના અભાવે ગામલોકો પશુ પણ રાખી શકતા નથી. આમ તો મધ્ય ગુજરાત પશુપાલનથી સમૃદ્ધ છે, પરંતુ ક્વોરીની અસર હેઠળ આવતાં ગામડાંઓ માટે પશુપાલન ખૂબ જ મુશ્કેલ છે. ગામડાંમાં હયાત પશુના આરોગ્યનો મુદ્દો પણ ગંભીર બની રહ્યો છે. રાખવાળો ઘાસચારો ખાવાથી પશુઓના અણધાર્યા મોત થતાં હોવાનું ગામલોકોનું કહેવું છે.

આરોગ્યને પણ ગંભીર અસર

આ તો પશુ આરોગ્યના મુદ્દાની વાત થઈ, પરંતુ ક્વોરીથી અસરગ્રસ્ત ગામલોકોના આરોગ્યની બાબત પણ ગંભીર છે. ચોવીસ કલાક ગામમાં ક્વોરીની રાખ ઊડતી હોવાથી ગામલોકોમાં શ્વાસ અને ફેફસાંની બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. કેટલાંક ગામમાં ટીબી જેવા ભયાનક રોગના દર્દીઓ પણ વધારે જોવા મળ્યા છે. ગોઠડા ગામનાં લોકો પણ શ્વાસ અને ફેફસાંની ગંભીર બીમારીથી પિડાઈ રહ્યા છે. ગામના પીયૂષ ઠાકોર કહે છે, ‘થોડા સમય પહેલાં જ ગામના ચાર-પાંચ લોકોમાં શ્વાસની ગંભીર બીમારી જોવા મળી હતી. બાદમાં ગોધરા હૉસ્પિટલમાં વારંવાર નિદાન પછી તેમને થોડીક રાહત થઈ હતી.’

કાચા સોનાની રોયલ્ટી સરકારી તિજોરીને લાખોની આવક રળી આપે છે એટલે લાગતા વળગતા વિભાગો લોકોની સમસ્યાઓ પ્રત્યે અનદેખી કરી રહ્યા છે. આ મામલો અતિ ગંભીર છે. જો વહેલી તકે આ અંગે યોગ્ય પગલાં નહીં લઈ શકાય તો ક્વોરી પ્રભાવિત વિસ્તારોમાં મોટી ખુવારી સર્જાઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like