મન, વચન અને કર્મથી અપનાવો અપરિગ્રહ: પામો શાંતિ

પ્રભુ છે અને સર્વત્ર છે. આ વાકય આપણે બોલીએ તો છીએ પણ આપણાં આચરણ તથા વર્તન એવાં છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહીં. અપરિગ્રહ એટલે માત્ર જરૂર જેટલો જ સંચય. જો શરીરને લંગોટી વગર ચાલે તેમ હોય તો લંગોટીનો પણ ત્યાગ કરી દો. જોકે આ બાબત સંસારીઓ માટે સહેજ પણ શકય નથી.
આ બાબત તો જે તે અનુપમ શાંતિ, ચિર ઐશ્વર્ય, આનંદમય મનોસ્થિતિ, સાધનામય આનંદ અને કેવળ પ્રભુ કૃપા પામવી છે તેને માટે જ છે. આ બાબત એક નાનકડા દૃષ્ટાંત વડે સમજવાની કોશિશ કરીએ.
દૃષ્ટાંતઃ એક સાધુ મહારાજ હતા. તે રહેતા હતા જંગલમાં, પરંતુ જીવવા માટે ગામમાં જઇ ઘેર ઘેર ભિક્ષા માગી પોતાના પેટનો ખાડો ભરતા હતા અને ઇશ્વરની સાધના કરતા હતા. તેઓ પોતાના હાથનો ખોબો ધરી પાણી પી લેતા હતા. પાણી પીવા માટે તેઓ એક પ્યાલો પણ રાખતા ન હતા.
એક વખતની વાત છે. તે સાધુ મહારાજ બહુ મોટા તપસ્વી તો હતા. અનેક સિદ્ધિઓ તેમની સદૈવ ચાકરી કરતી હતી. એક વખત તેમની સિદ્ધિઓથી અંજાયેલા તેમના એક ભકતે તેમને પાણી પીવા માટે એક પ્યાલો આપ્યો. એક દિવસ પાણી પીને તેમણે તે પ્યાલો એક શિવાલયની બહાર મૂકયો. બીજું કાંઇ કામ યાદ આવતાં તેઓ ઊઠીને ક્યાંક ચાલ્યા ગયા. પોતાના કામ અર્થે તેઓ લગભગ બે ત્રણ કિલોમીટર જેટલું દૂર ચાલ્યા ગયા. ત્યારે જ તેમણે તેમની પ્રભુભકિત અર્થાત સાધના શરૂ કરી.
તે વખતે તેમને તરસ લાગી. એટલે તેમને પેલો પાણી પીવાનો પ્યાલો યાદ આવ્યો. તેથી તેમના અંતરમનમાંથી પ્રભુ તથા પ્રભુભકિત દૂર દૂર ચાલ્યાં ગયાં. તેમની તમામ માનસિક શાંતિ ઊડી ગઇ. તેઓ શાંતિમાંથી અશાંતિમાં ઘૂસી ગયા. મન તેમનું અનેક જાતના તર્ક વિતર્ક કરવા લાગ્યું. અંતે તેમને યાદ આવ્યું કે, ‘અરે પેલો પાણી પીવાનો પ્યાલો તો હું શિવાલયની બહાર છોડી આવ્યો છું.’ સહસા તેઓ ઊઠીને ઝડપથી ચાલવા લાગ્યા. તેમનું મન આ મનોસ્થિતિમાં ચડતાં તેઓ ચાલવાને બદલે લગભગ દોડવા લાગ્યા. તેઓ ઉતાવળે ઉતાવળે દોડતા દોડતા પેલા શિવાલય પાસે પહોંચ્યા. પેલો પ્યાલો તેમણે જ્યાં મૂકયો હતો ત્યાં જ પડયો હતો. તેમને તત્કાળ શાંતિ થઇ.
તેઓ સંપૂર્ણ જ્ઞાની હતા. તેથી તે જ ક્ષણે તેમને તેમની જાત ઉપર પુષ્કળ ગુસ્સો ચડયો. એક પ્યાલા માટે તેઓ પોતાની અપાર શાંતિ, પ્રભુભકિત છોડીને તે તુચ્છ પ્યાલાને શોધવા દોડી આવ્યા. તે બાબત તેમને કઠી. તે તો સંપૂર્ણ સંયમી જીવ હતા. તેમણે તે જ ક્ષણે તે પ્યાલો ઉઠાવ્યો અને તેને હાથમાં પકડી શિવાલયની બાજુમાંથી જ જે નદી વહેતી હતી તેમાં તે પ્યાલાનો ઘા કરી દીધો. એક જ ક્ષણમાં તે પાછા અપરિગ્રહી બની ગયા. તેમનો આત્માનંદ તે જ ક્ષણે તેમની પાસે દોડી આવ્યો. જે મનુષ્યએ સુખી થવું છે તે મનુષ્યએ ખરા હૃદયથી અપરિગ્રહ અપનાવવો જ જોઇએ.
આપણા ઘરમાં કેટલીયે એવી વસ્તુઓ હશે જેનો આપણે ઘણાં વર્ષોથી ઉપયોગ કર્યો નહીં હોય. તેને દર થોડા થોડા મહિને આપણે સાફ કરીને પાછા ઠેકાણે મૂકીએ છીએ.
જે ચીજ કરી ઉપયોગમાં નથી આવતી
તેનો ત્યાગ કરો. જુઓ પછી કેવી અદભુત
શાંતિ તમને પ્રાપ્ત થાય છે. અંતરમાં ચાલતો દરેક ઉદવેગ દૂર ચાલ્યો જશે. ચિત્તમાં તમને અપાર આનંદ પ્રગટશે. કોઇ પણ વસ્તુનો ત્યાગ કરો તો મનથી કરો. કોઇના દબાણ, આજ્ઞાથી ત્યાગ ન કરો. કોઇની આજ્ઞા કે દબાણ તે અપરિગ્રહ નથી. તે તો ઇચ્છા દબાવીને કરેલો ત્યાગ છે.•
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like