મનની મિરાત….

કોઈની પણ સાથે સંબંધ બાંધવામાં કે નિભાવવા માટે ધનિકતા કે નિર્ધનતાના મુદ્દાને મહત્ત્વ આપવાનું ભૂલભરેલું છે.

કોઈની પણ સાથે સંબંધ બાંધવામાં કે નિભાવવા માટે ધનિકતા કે નિર્ધનતાના મુદ્દાને મહત્ત્વ આપવાનું ભૂલભરેલું છે. ધનિક માણસ હંમેશાં ધનિક જ રહેશે અને નિર્ધન માણસ હંમેશાં નિર્ધન જ રહેશે તેવું ખાતરી સાથે કોઈ કહી શકે નહીં. આપણે ઘણી વાર એવું જોઈએ છીએ કે કોઈ શ્રીમંત સગાની પાછળ કેટલાક લોકો પોતાની ત્રેવડ કરતાં વધુ ઘસાઈ છૂટતાં હોય છે. તેમને મનમાં ઊંડે-ઊંડે એવો ખ્યાલ હોય છે કે કોઈ વાર જરૃર પડ્યે એ શ્રીમંત સગા પોતાને ખપમાં લાગશે, પણ હકીકતે આવું ખાસ બનતું નથી. દરેક બાબતમાં અપવાદો તો હોય જ છે એટલે આવા અપવાદોને બાદ કરીને કહી શકાય કે એક શ્રીમંત બીજા શ્રીમંતને મદદ કરવાનું વધુ પસંદ કરે છે અને ગરીબ માણસ બીજા ગરીબને મદદ કરે એવું બને છે.

હકીકતે મદદની આપ-લેમાં બે વ્યક્તિ કે બે પરિવાર વચ્ચેના સંબંધોમાં કેટલું બળ છે તે જ નિર્ણાયક દલીલ બને છે. મોટા ભાગે તો કશુંક મેળવવાની ગણતરીથી બાંધેલા કે નિભાવેલા સંબંધોમાંથી ખાસ કંઈ મળતું નથી. આપણે આપણી આંખ સામે એવાં અનેક દૃષ્ટાંતો જોઈએ છીએ કે જેમાં અમુક સગાંસંબંધી પાછળ ઘણો બધો ભોગ આપનારને પોતાને જ્યારે ભીડ પડે ત્યારે પેલા સગાં કે સંબંધી કોઈ ખપમાં આવતાં નથી અને તેમને મદદ કોઈક બીજી કે ત્રીજી વ્યક્તિ કરે છે. એટલે શાણપણ એમાં જ છે કે માણસ સંબંધ બાંધવા કે નિભાવવાની બાબતમાં કોઈ જ આર્થિક ગણતરી ન રાખે. બીજું, સ્નેહ હોય, લાગણી હોય, સહાનુભૂતિ હોય તો તમે જરૃર આપો, પણ જે કંઈ આપો તે આપવાના જ એક વિશિષ્ટ આનંદથી આપો. જો કશું મેળવવાની ગણતરીથી કોઈને પણ કશું આપવા જશો તો આખરે તેમાંથી નિરાશા અને કડવાશ જ પેદા થવાનો સંભવ વધારે છે.

એક વૃદ્ધે પોતે જ કહેલી વાત છે. એ વૃદ્ધ નિઃસંતાન હતા. પત્ની ગુજરી ગઈ એ પછી એકલા પડી ગયા. એ વૃદ્ધે પોતાના જે સગા ભાઈનાં દીકરી-દીકરાઓને પોતાનું બધું જ આપી દીધું હતું તેમણે આ વૃદ્ધને રાખવાની ના પાડી. સારી ભાષામાં પોતાની મુશ્કેલીઓ આગળ કરીને, પોતાની લાચારી બતાવીને ના પાડી! આ વૃદ્ધે જે ભાઈને કદી એક દોકડો પણ આપ્યો નહોતો એ ભાઈનાં સંતાનો આ વૃદ્ધ અને અશક્ત ભાઈજીને પોતાને ઘેર લઈ ગયા અને પૂરાં પ્રેમ-માન સાથે રાખ્યા. કોઈ કોઈ વાર આ બાબતનો વિચાર કરતાં તેમની આંખમાંથી દડદડ આંસુ પડી જતાં. તેમનું અવસાન થયું ત્યારે તેમણે અંતિમ ક્ષણે પોતાના ભત્રીજાઓને કહ્યું ઃ ‘સગા દીકરા પણ ન કરે એટલું બધું તમે મારા માટે કર્યું છે. જ્યારે હું સશક્ત હતો ત્યારે મારી પાસે ઘણું હતું, પણ મેં તે બધું આપી દીધું. હવે તમને આપવા માટે તો મારી પાસે કાંઈ નથી!’ એક ભત્રીજાએ કહ્યું ઃ ‘ભાઈજી! અમને આપવા માટે તમારા જેવા પુણ્યશાળી આત્મા પાસે કાંઈ જ ન હોય એવું તે કદી બને? અમને આપવા જેવું જે તમારી પાસે છે તે અમને આપો. અમને તમે તમારા આશીર્વાદ આપો. અમારે માત્ર આશિષોની જ જરૃર છે.’

માણસ-માણસ વચ્ચેના સંબંધમાં આપવા-લેવા કરતાં પણ એક બીજી જ બાબત ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા માણસોને તમારી પાસેથી માત્ર સહાનુભૂતિ અને શુભેચ્છાની જરૃર હોય છે. તમે એની અવગણના ન કરો, તમે એને તુચ્છકારો નહીં, તમે તેને નકામી કે ફાલતુ વ્યક્તિ ન ગણો તો પણ તેને લાગશે કે તમે તેને કાંઈક આપ્યું. વગર બોલ્યે, વગર માગ્યે આપ્યું. તમે તેને એક માણસના હકનું માન આપ્યું. તમે માણસને શ્રદ્ધાની નજરે જુઓ, વિશ્વાસની નજરે જુઓ તો પણ તેના આનંદનો પાર નહીં રહે. તમે તેને આશાના બે શબ્દો કહેશો, હિંમતના બે શબ્દો કહેશો, સદ્દભાવનાના બે શબ્દો કહેશો, તો તેને લાગશે કે તમે તેને કાંઈક આપ્યું છે. જે આપ્યું છે તે પૈસા કે કોઈ ચીજવસ્તુ કરતાં વધુ મૂલ્યવાન છે.

એક સામાન્ય માણસે પોતાની સાદી સરળ ભાષામાં કહ્યું હતું ઃ ‘તમે મને ઘણી વાર પૂછો છો કે કંઈ જ કામ વગર હું પેલા ‘અલગારી’ પાસે શું કામ જાઉં છું? આજે તમને સાચેસાચું કહી દઉં. હું એની પાસે જાઉં ત્યારે એ કાંઈ બોલે કે ન બોલે, પણ મારી સાથેના તેના વહેવાર-વર્તનમાં એના અંતરની મહેક હોય છે. તેની પાસે હું હોઉં ત્યારે મને લાગે છે કે હું માણસ છું – ખરેખર માણસ છું. બીજા બધા માણસોને હું મળું છું. કેટલાકની સાથે મારી બેઠક-ઊઠક પણ ખરી, પણ તેમને મળ્યા પછી જાણે મને લાગે કે જાણે હું માણસ નથી, હું એક જંતુ છું. હું બહુ બહુ તો એક તુચ્છ પ્રાણી છું! મારી કોઈ જ કિંમત નથી.’

એક બીજા ગૃહસ્થે વળી બે વ્યક્તિઓ વચ્ચેનો તફાવત સમજાવતાં આવી જ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઃ ‘હું અમુક ભાઈને મળું છું ત્યારે મારી ગમે તેટલી ચાર્જ કરેલી બેટરી બેસી જાય છે. જ્યારે હું એક બીજા ભાઈને મળું છું ત્યારે મારી બેટરી ઊતરી ગયેલી હોય તો પણ એકદમ રિચાર્જ થઈ ગઈ હોય એવી મને લાગણી થાય છે!’ બહુ ઝાઝા માણસોને આપી શકાય એટલું ઝાઝું કે વધારાનું ધન કોઈની પાસે હોતું નથી, પણ માણસ પોતાના દિલની તિજોરીમાંથી કાંઈક ને કાંઈક જરૃર આપી શકે છે. ઘણાબધાને આપી શકે છે. ધન સંબંધની બહુ મજબૂત કડી બની શકતું નથી, પણ મન એવી મજબૂત કડી જરૃર બની શકે છે.

——————————–.

You might also like