દૂધના ભાવમાં છાશવારે થતા વધારા સામે ગૃહિણીઓ લાલચોળ

અમદાવાદ: દેશમાં જ નહીં વિદેશમાં પણ શ્વેતક્રાંતિના મામલે સુપ્રસિદ્ધ અમૂલ ડેરી દ્વારા પશુપાલનના વ્યવસાયમાં ઘાસચારા અને પશુ દાણની કિંમતો વધતાં ફરી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં અાવ્યો છે. અમૂલ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં અા સાતમી વખત દૂધના ભાવમાં વધારો ઝીંકાયો છે.

અા ભાવવધારાના કારણે સામાન્ય અને મધ્યમ પરિવારના લોકોના બજેટ ઉપર અસર પડશે. જેના કારણે શહેરની ગૃહિણીઅોમાં અમૂલની અા ન‍ીતિ રીતિ  સામે ભારે અાક્રોશની લાગણી પ્રસરી છે.

જીસીએમએમએફ દ્વારા અમૂલ બ્રાન્ડના દૂધની વિવિધ વેરાયટીઅોમાં પ્રતિ લિટર બે રૂપ‍િયાનો વધારો લાદવામાં અાવ્યો છે. જેના કારણે અમૂલ ગોલ્ડના પ્રતિ લિટરના રૂ.૪૮થી વધીને. રૂ.પ૦ થયા છે. અમૂલ શક્તિના પ્રતિ લિટરે રૂ.૪૪થી વધીને.રૂ.૪૬ થયા, સ્લિમ એન્ડ ટ્રિમના રૂ.૩૪થી વધીને રૂ.૩૬ થયા, તાજાના રૂ.૩૬થી વધીને રૂ.૩૮ થયા, ટી સ્પેશિયલના રૂ.૪૪થી વધીને રૂ.૪૬ થયા છે તેવી જ રીતે ગાયના દૂધમાં પ્રતિ લિટરે રૂ.૪૦થી વધીને રૂ.૪ર થયા છે. અા ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ કુટુંબના બજેટમાં દર મહિને રૂ.૬૦થી ૧૦૦ સુધીનો વધારો થયો છે.

ર૦૧૧થી દૂધના ભાવ દસ વખત વધ્યા
અમૂલ દ્વારા છેલ્લાં છ વર્ષમાં દૂધના ભાવોમાં દસ વખત વધારો કરવામાં અાવ્યો છે. જેમાં ર૦૧૧માં જાન્યુઅારી, એપ્રિલ અને જુલાઈમાં, ર૦૧રમાં એપ્રિલ અને અોક્ટોબરમાં, ર૦૧૩માં જુલાઈ અને અોક્ટોબરમાં, મે-ર૦૧૪માં, જૂન-ર૦૧પમાં અને જૂન-ર૦૧૬માં મળીને કુલ દસ વખત દૂધના ભાવમાં વધારો કરાયો છે.

અમૂલના ભાવવધારાને કારણે છૂટક દૂધનું વેચાણ કરનારા વેપારીઅો દ્વારા પણ તાત્કાલિક ધોરણે દૂધના ભાવમાં વધારો કરી દેવામાં અાવ્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગનાં લોકોનું બજેટ વિખેરાઇ જાય છે.
-મનીષા ત્રિવેદી, જીવરાજપાર્ક

દૂધના ભાવ વધારાના કારણે સામાન્ય વર્ગના લોકોની હાલત ખરાબ થઈ જાય છે. કારણ કે અા બે રૂપિયાના ભાવવધારાથી મહિને દોઢસો રૂપિયાનું બજેટ વધી જાય છે.
– સંધ્યા કે. જાની, ઘાટલોડિયા

એક યા બીજા ખર્ચના નામે દૂધના ભાવોમાં વધારો કરાય છે તેના અમૂલ દ્વારા વિવિધ ટી.વી. ચેનલો ઉપર અપાતી જાહેરાતોમાં કાપ મૂકવામાં અાવે તો અા અાવા ખર્ચને અાસાનીથી પહોંચી વળાય.
– સજની અાર. દોશી, થલતેજ

અમૂલ દ્વારા ક્યારે ડીઝલના તો ક્યારે પશુપાલનના ખર્ચના નામે ભાવવધારો લાદવામાં અાવે છે. પણ ખરેખર તે વધારો પશુપાલકોને મળે છે કે કેમ? જો પશુપાલકોના બદલે કંપની જ નફો વધારતી હોય તો તે ન ચાલે.
– માધુરી શૈલેશ હકાણી, વાડજ

છેલ્લાં ચાર વર્ષમાં એક યા બીજા બહાનાં તળે અમૂલે દૂધના ભાવમાં રૂ.૧૦નો ભાવવધારો ઝીંકી દેવાયો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના લોકોનું બજેટ અસ્તવ્યસ્ત થઈ જાય છે.
– નીલા હિમાંશુ વ્યાસ, ઘાટલોડિયા

શાકભાજી, દાળ, કઠોળ, પેટ્રોલ સહિતની તમામ ચીજ વસ્તુઅોમાં દિનપ્રતિદિન વધારો ઝીંકાવાના કારણે સામાન્ય વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે ત્યારે દૂધના ભાવ વધારાથી ગૃહિણીઅોની પરેશાનીમાં વધારો થયો છે.
– સુશીલા એસ. ભટનાગર, વેજલપુર

You might also like