કૂપવાડામાં સતત અથડામણ જારીઃ એક આતંકી ઠાર, બે હજુ છુપાયેલા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં શુક્રવાર રાતથી ત્રાસવાદીઓ સાથે અથડામણ જારી છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસને એવી શંકા છે કે હજુ બે આતંકીઓ છુપાયા છે અને તેથી આ લખાઈ રહ્યું છે ત્યારે સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણો જારી છે.

આ અથડામણ કૂપવાડા જિલ્લાના દર્દપોરા લોલાબ વિસ્તારમાં ચાલી રહી છે. પોલીસ અને ૨૮ રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ મળીને લોલાબ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ત્રાસવાદીઓએ સુરક્ષ દળો પર ફાયરિંગ શરૂ કરતાં અથડામણ ચાલુ થઈ ગઈ હતી.

પોલીસને આ વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ અગાઉ પણ જાન્યુઆરીમાં જ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ચાર િદવસ પહેલાં અનંતનાગમાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.

અત્યારે કૂપવાડામાં માર્યા ગયેલા એક આતંકી પાસેથી એકે-૪૭ રાઈફલ, કેટલાંક શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. ગઈ સાલ નવેમ્બરમાં કૂપવાડાના હંદવાડા વિસ્તારમાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે આવી જ અથડામણ થઈ હતી. ૧૭ કલાકથી વધુ ચાલેલી આ અથડામણમાં ૪૧ રાષ્ટ્રીય રાઈફલ્સના કર્નલ સંતોષ મહાદીક શહીદ થઈ ગયા હતા. તેઓ ૪૧ રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ અધિકારી હતા.

You might also like