મિલિંદ રેગે પાસે છે સોનું પારખવાનો હુન્નરઃ પહેલાં સચીન, હવે પૃથ્વીના રૂપમાં ભેટ આપી

મુંબઈઃ પૃથ્વી શોના રૂપમાં ટીમ ઇન્ડિયાને એક જોરદાર ખેલાડી મળી ગયો છે. પોતાના બેટથી વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે લાખો ચાહકો બનાવી લેનારા ૧૮ વર્ષીય છોકરામાં કંઈક તો અલગ છે જ. આ ચીજની સૌથી પહેલી ઓળખ મુંબઈના ભૂતપૂર્વ કેપ્ટન મિલિંદ રેગેએ કરી લીધી હતી.

જી હા, મિલિંદ રેગેએ ૧૭ વર્ષની ઉંમરે જ પૃથ્વીની પ્રતિભાને ઓળખી લીધી હતી અને તેને રણજી ટીમમાં ડેબ્યૂ કરવાની તક અપાવી હતી. મિલિંદ એ શખ્સ છે, જેણે વર્ષ ૧૯૮૮માં મુંબઈની રણજી ટીમમાં સચીન તેંડુલકરને પણ પહોંચાડી દીધો હતો. એ સમયે મિલિંદ રેગે સિલેક્શન કમિટીનો સભ્ય હતો, જેણે સચીનને ફક્ત ૧૫ વર્ષની ઉંમરમાં જ ક્રિકેટની પહેલી સીડી ચડાવી દીધી હતી. સચીનને ટીમ સુધી પહોંચાડ્યાના લગભગ ૩૦ વર્ષ બાદ સિલેક્શન કમિટીના ચેરમેન મિલિંદ રેગેએ ૧૭ વર્ષીય પૃથ્વી શોની પ્રતિભા ઓળખીને તેને મુંબઈની રણજી કેપ પહેરાવી દીધી હતી.

મિલિંદ રેગેએ જણાવ્યું, ”પૃથ્વી વિશેની જે પહેલી વાત મને યાદ છે તે એ છે કે તે બોલને સારી રીતે ફટકારી શકે છે. જેવી રીતે સચીન અન્ય કરતાં અલગ હતો, પૃથ્વી પણ એવો જ છે. તેની પ્રતિભા એટલી જબરદસ્ત છે કે અમારે તેને તક આપવી જ પડી. તેનામાં રનને લઈને એક અલગ પ્રકારની ભૂખ છે. મુંબઈ હંમેશાં આવા ખેલાડીઓને તક આપે છે.”

આ સાથે મિલિંદે એવું પણ કહ્યું, ”પૃથ્વી મુંબઈના ટિપિકલ બેટ્સમેનો જેવો ખડૂસ નથી, પરંતુ તે ખડૂસ હોવાની એક નવી પરિભાષા બતાવે છે. ક્રિકેટની ભાષામાં ખડૂસ હોવાનો અર્થ ફક્ત ડિફેન્સિવ રમવાનો નથી, બલકે એ બેટ્સમેનને ખડૂસ કહેવાય છે, જે બોલરને દબાણમાં રાખે છે. આવી રીતે આપણે કહી શકીએ કે વિરાટ એક ખડૂસ બેટ્સમેન છે. પૃથ્વી પણ કંઈક આવો જ છે.’

પૃથ્વીને ટીમમાં પ્રથમ તક આપવા અંગે મિલિંદે જણાવ્યું, ”એવું નથી કે મારા કારણે જ તે અહીં સુધી પહોંચ્યો છે. તે બહુ જ પ્રતિભાશાળી છે, જેના કારણે અમારી પસંદગી સમિતિએ તેને પસંદ કર્યો. મેચની સવારે મેં અને મુંબઈ ટીમના કોચ ચંદ્રકાંત પંડિતે તેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય તેના પાછલા સ્કોર અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. અમે તેની અંદરની પ્રતિભા ઓળખી લીધી હતી.”

You might also like