અમદાવાદમાં BRTS કેસલેશના ફતવાથી હજારો નાગરિકો હેરાન થશે

અમદાવાદ: સ્માર્ટસિટી મિશનના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ અમદાવાદને ડિજિટલ બનાવવા માટે આગામી ૧ સપ્ટેમ્બરથી બીઆરટીએસ સર્વિસમાં ઉતારુઓને ટિકિટ નહીં અપાય. બીઆરટીએસમાં કેસલેશ સિસ્ટમની જાહેરાત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરાય છે. જોકે તંત્રના આવા ગતકડાંથી હજારો સામાન્ય નાગરિકો હેરાન થશે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને કેશલેશ સેવાનો મહત્તમ લાભ આપવાના હેતુસર બીઆરટીએસ સર્વિસમાં કાર્ડથી પેમેન્ટ વ્યવસ્થા આગામી ૧ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ કાર્ડ સેવામાં સૌથી વધુ ઉપયોગ કરનાર ભાગ્યશાળીઓને લકી ડ્રો મારફતે કુલ ૧૦૦ સ્માર્ટફોન ઇનામમાં આપવાની જાહેરાત પણ કરાઇ છે.

જાણકાર સૂત્રો કહે છે કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન હેઠળ ૧૦૦ સ્માર્ટ સિટીઝ માટે ૧૦૦ દિવસની ચેલેન્જ જાહેર કરાઇ છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને ટિકિટના બદલે કાર્ડ ફરજિયાત કરવાની દિશામાં આગેકૂચ કરી છે. પરંતુ આ સમગ્ર યોજના હજારો નાગરિકો માટે માથાનો દુઃખાવો બનશે.

આજની તારીખમાં બીઆરટીએસ સેવાનો દૈનિક ૧.૭૦ લાખ ઉતારુઓ લાભ લઇ રહ્યા છે. જે પૈકી રપ થી ૩૦ હજાર ઉતારુઓએ જનમિત્ર કાર્ડ કઢાવ્યાં છે. આમાંથી પણ ફક્ત નવ હજાર ઉતારુઓ જનમિત્ર કાર્ડનો દૈનિક ઉપયોગ કરે છે. એટલે હજુ પણ જનમિત્ર કાર્ડ ઉતારુઓમાં લોકપ્રિય બન્યાં નથી.

બીજી તરફ જનમિત્ર કાર્ડ કઢાવવા માટે રૂ.૭પ ફરજિયાત પણ તંત્રને ચૂકવવા પડે છે. આ નવી વ્યવસ્થાથી બહારગામથી આવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાનાર હોઇ ખુદ શાસક ભાજપ પક્ષમાં જ વિરોધના સૂર ઊઠ્યા છે.

You might also like