જે મિગ-21માં પાઇલટનો જીવ ગયો તેને ક્યારેક ‘બ્યુટીફૂલ’ મશીન કહ્યું હતું

નવી દિલ્હી: સ્કવોર્ડન લીડર મિતકુમારે થોડા સમય પહેલાં જ ઇન્ડિયન એરફોર્સના પ્રમોશનલ વીડિયોમાં કહ્યું હતું કે જ્યારે તમે મિગ-ર૧ એરક્રાફટ ઉડાડી રહ્યા હો ત્યારે તમે ખુદને ભગવાનથી ઊતરતા સમજતા નથી. આ મશીન સાથે મારો જે સંબંધ છે તેવો કદાચ મારી પત્ની સાથે પણ નથી. ‌મિતકુમારે મિગ-ર૧ને બ્યુટીફૂલ મશીન કહ્યું હતું. તે ખરેખર આની સાથે લાગણીથી જોડાયેલો હતો.

બુધવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મિગ-ર૧ ફાઇટર ક્રેશમાં મિતકુમારનું મૃત્યુ થયું. મિગ-ર૧એ પઠાણકોટથી ૧ર.ર૦ મિનિટ પર ઉડાન ભરી હતી. ત્યાર બાદ તેમાં કેટલીક ટેકનિકલ ખરાબી આવી હતી અને નેહરાપાલી ગામની પાસે ૧.ર૧ વાગ્યે આ પ્લેન ક્રેશ થઇ ગયું.

ઇન્ડિયન એરફોર્સના પ્રવકતાએ કહ્યું કે અકસ્માતમાં થયેલી ગંભીર ઇજાને કારણેે પાઇલટ મૃત્યુ પામ્યો છે. એક્સિડન્ટના કારણોની તપાસ માટે એક કોર્ટ ઓફ ઇન્કવાયરી બનાવાઇ છે. ઇન્ડિયન આર્મ ફોર્સ આ પ્રકારના ક્રેશમાં ૩૧ એરક્રાફટ અને હેલિકોપ્ટર ગુમાવી ચૂકી છે. તેમાં ૪૪ લોકોનો જીવ ગયો છે. આ આંકડો ર૦૧પ-૧૬નો છે.

અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરવામાં આવે તો એરફોર્સ, આર્મી અને નેવીના ૭પથી વધુ હેલિકોપ્ટર અને એરક્રફટનો એક્સિડન્ટ થઇ ચૂકયો છે. જેમા ૮૦ જવાન મૃત્યુ પામ્યા છે.

You might also like