મધ્યાહ્ન ભોજન માટે શાળાઅોઅે હવે રોજેરોજ અોર્ડર અાપવો પડશે

અમદાવાદ: મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજનનો લાભ લેતાં બાળકોની સંખ્યામાં જાહેર થતી ગેરરી‌િતની સંખ્યાબંધ ફરિયાદો અને ભ્રષ્ટાચારને રોકવા હવે ૧ જુલાઇથી ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ-આઇવીઆરએસ શરૂ થઇ રહી છે. હવે પછી શાળાનાં કુલ બાળકોની સંખ્યા મુજબ ભોજન નહીં આવે. શાળામાં હાજર બાળકોની સંખ્યા મુજબનું ભોજન હવે શાળાના મુખ્ય શિક્ષકે મંગાવવું પડશે.
અમદાવાદની ૭૩પથી વધુ શાળાઓ સહિત રાજ્યની ૩૬૧૦૮ શાળાઓમાં રૂ.૮૬ લાખના ખર્ચે ૧ જુલાઇથી અમલી થાય તે પ્રમાણે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવાઇ ચૂકી છે.

આ સિસ્ટમ માટેની આજે ૬ કલાકની ટ્રેનિંગ તમામ શાળાના મુખ્ય શિક્ષકોને અપાઇ રહી છે. અમદાવાદનાં દોઢ લાખથી વધુ બાળકો સહિત રાજ્યનાં ૩૯ લાખ બાળકો મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ સમાવિષ્ટ છે, જેમાંનાં ર૦થી ૩૦ ટકા બાળકો રાજ્યની જિલ્લા પંચાયત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ૧ જુલાઇથી મેનેજમેન્ટ, મોનિટરિંગ, અને ઇવેલ્યુએશન સિસ્ટમ શરૂ થઇ જશે.

શાળામાં હાલમાં આઇવીઆરએસ સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે. અમદાવાદમાં ૮૦ર સેન્ટર પરથી ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સિસ્ટમ અંતર્ગત શાળના આચાર્ય ઉપરાંત બે શિક્ષકોના નંબર વે‌િરફિકેશન કરાવવાના રહેશે. સમગ્ર સંચાલન ઇન્ડેક્સ્ટ-બી દ્વારા કરાશે. શાળાના મુખ્ય શિક્ષકે ઇનકમિંગ ફોન ઉપર શાળાની રજિસ્ટર્ડ સંખ્યા, હાજર સંખ્યા અને મધ્યાહ્ન ભોજન લાભાર્થીની સંખ્યા આપવી પડશે. ઇનકમિંગ ફોન આવ્યેથી બટન પ્રેસ કરીને માહિતી આપવાની રહેશે.

આ યોજના હેઠળ દરેક કેન્દ્રોના જમવાના સમય પહેલાં અને સાંજે પ વાગ્યે મુખ્ય શિક્ષક પાસેથી માહિતી બે વાર મેળવાશે. જેથી મધ્યાહ્ન ભોજનનો લાભાર્થી હવે ભોજન બાદ શાળા છોડી શકશે નહીં. આ માટે ૦૬૧ર-૬૬૦૯૦૦૦, ૦૬૧ર-૬૬૦૮૮૮૮ પર બંને ટાઇમ ફોન આવશે. જેના પર બાળકોની સંખ્યા પુશ બટનથી આપવાની રહેશે. ફોન ઇન્સ્ટ્રુમેન્ટમાં તમામ વિકલ્પ જણાવેલા દેખાશે.

You might also like