શું આવી સુખડી ખવાય?, અમદાવાદમાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિનો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ: મધ્યાહન ભોજનની વાત કરીએ તો આ યોજના ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પોતાનાં શાસનકાળ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે શરૂઆત કરી હતી. મહત્વનું છે કે તે યોજના આજ દીન સુધી પણ સરકારે શરૂ રાખી છે.

પરંતુ આજે વિદ્યાર્થીઓને સંપૂર્ણ આહારનાં નામે જે ભોજન આપવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તા વિશે તમે જાણશો તો આપ પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો. તેમજ આ ઘટના વિશે જાણીને તમને ક્યારેય ભોજન નહીં કરાવવાની ઇચ્છા થશે.

વીટીવીનાં ધ્યાનમાં જ્યારે આ વાત આવી કે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે ત્યારે તેઓ તુરંત જ નીકળી પડ્યાં. આ વાતની હકીકત જાણવા વીટીવીએ નક્કી કર્યું હતું કે મધ્યાહન ભોજનનું અમે રીયાલીટી ચેક કરીશું.

ત્યારે વીટીવીએ અમદાવાદનાં વિરાટનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પહોંચી જતા તેઓએ ત્યાં જઇને જોયું કે વિદ્યાર્થીઓ માટેનું જે મધ્યાહન ભોજન તૈયાર હતું તેમાં વિદ્યાર્થીઓને માટે ભોજનમાં સુખડી અને પુલાવ મળવાનું હતું. જેથી વીટીવીએ નક્કી કર્યું કે ચાલો આ સુખડીની ગુણવત્તા કેટલી યોગ્ય છે?

વીટીવીએ જ્યારે સુખડીને હાથમાં લઈને તપાસ કરી તો તેમાં જે સત્ય સામે આવ્યું તે જોઈને આપ પણ ચોંકી ઉઠશો. કારણ કે આ સુખડી નહીં પરંતુ છે માત્ર ને માત્ર લોટ એટલે કે સુખડીમાં ન હતું ઘી, કે ન હતો ગોળ. સુખડીમાં માત્ર ને માત્ર લોટ અને પાણી જ હતું. કદાજ તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ હકીકત છે. વીટીવીએ સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક લોકોને પણ આ સુખડીનો સ્વાદ ચખાડયો ત્યારે તેઓએ પણ આ જ વાત કરી હતી.

મહત્વનું છે કે, સરકાર જે સંપૂર્ણ અને સ્વચ્છ ભોજન વિદ્યાર્થીઓને આપવાની મોટી મોટી વાતો કરે છે તે કેટલે અર્થે સ્વચ્છ અને સંપૂર્ણ છે તે તો આ સુખડીની ગુણવત્તા જોઇને જ ખ્યાલ આવી ગયો. જો કે મહત્વનું છે કે સ્થાનિક કોર્પોરેટરે AMCમાં તપાસ માટે સુખડીનાં નમૂના લઈને આગળ મોકલ્યાં છે.

You might also like