મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ

અમદાવાદ: વૈશ્વિક શેરબજારોના સપોર્ટે આજે સ્થાનિક શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૬૫ પોઇન્ટના સુધારે ૨૯,૪૮૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૪ પોઇન્ટના સુધારે ૯,૧૫૦ પોઇન્ટની ઉપર ૯,૧૬૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. દરમિયાન બેન્ક શેરમાં પણ નીચા મથાળે લેવાલી નીકળી હતી.

સરકારે બેન્કોની એનપીએ ઘટાડવા માટે હાથ ધરેલી કવાયતના પગલે બેન્કના શેરમાં કરંટ જોવા મળ્યો હતો. ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં સુધારાની ચાલ જોવાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ મિડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૪૯ ટકા, જ્યારે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૫૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

રિલાયન્સ કંપનીના શેરમાં પણ ૧.૬૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગેઇલ અને ભેલ કંપનીના શેરમાં પણ ૦.૯૦ ટકાથી ૧.૧૦ ટકાનો સુધારો જોવાયો હતો, જ્યારે સન ફાર્મા, સિપ્લા કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. આ કંપનીના શેરમાં ૧.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ડોલર સામે રૂપિયો ૬૪.૬૪ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો આઠ પૈસા નરમ ૬૪.૬૪ની સપાટીએ ખૂલ્યો હતો. ગઈ કાલે રૂપિયો ૬૪.૫૬ની સપાટીએ બંધ થયેલો જોવા મળ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ફ્રાન્સની ચૂંટણી પર વૈશ્વિક ફોરેક્સ બજારની નજર મંડાયેલી છે.

PSU બેન્કના શેર સુધર્યા
એસબીઆઈ ૦.૫૬ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૮૪ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૧૪ ટકા
સેન્ટ્રલ બેન્ક ૦.૬૪ ટકા
કેનેરા બેન્ક ૦.૭૭ ટકા
ઈન્ડિયન બેન્ક ૧.૨૮ ટકા
વિજયા બેન્ક ૧.૨૩ ટકા
કોર્પોરેશન બેન્ક ૦.૯૧ ટકા
અલ્હાબાદ બેન્ક ૦.૯૬ ટકા
http://sambhaavnews.com/

You might also like